Russia-Ukraine War: યુક્રેન યુદ્ધને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના રોકાણ અને આર્થિક સહયોગ માટેના દૂત કિરીલ દિમિત્રીયેવે મોટો દાવો કર્યો છે. અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત માટે વોશિંગ્ટન પહોંચેલા દિમિત્રીયેવે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 'રશિયા, અમેરિકા અને યુક્રેન હવે યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી ઉકેલની ખૂબ નજીક છે.'
ટ્રમ્પ-પુતિનની બેઠક હાલ પૂરતી મુલતવી
કિરીલ દિમિત્રીયેવે સ્વીકાર્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની પ્રસ્તાવિત બેઠક મુલતવી રાખવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે આ બેઠક રદ થઈ નથી, પરંતુ યોગ્ય સમયે યોજાશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, 'રશિયા તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત ન થતા હંગેરીમાં પુતિન સાથેની તેમની બેઠક રદ કરવામાં આવી છે, કારણ કે આ બેઠક માટે યોગ્ય સમય નથી.'
ઝેલેન્સકીનો મોટો બદલાવ!
યુક્રેન યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ અંગે બોલતા દિમિત્રીયેવે સંકેત આપ્યો કે યુક્રેનના વલણમાં આવેલો બદલાવ શાંતિની દિશામાં એક મોટું પગલું છે. તેણે કહ્યું કે, 'યુક્રેનના પ્રમુખ પ્રમુખ વોલોદીમિરનું આ એક મોટું પગલું છે કે તે હવે વર્તમાન યુદ્ધ રેખાઓ (Current War Lines) પર વાટાઘાટો માટે ખુલ્લા છે. અગાઉ, તેમણે કહ્યું હતું કે રશિયાએ સંપૂર્ણપણે પીછેહઠ કરવી જોઈએ. તેથી મને લાગે છે કે આપણે રાજદ્વારી ઉકેલની ખૂબ નજીક છીએ.'
યુરોપિયન દેશોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ
અહેવાલો અનુસાર, યુરોપિયન દેશો યુક્રેન સાથે મળીને વર્તમાન યુદ્ધ રેખાઓના આધારે યુદ્ધવિરામ પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. આ પ્રસ્તાવ પહેલેથી ચર્ચા હેઠળના મુદ્દાઓ પર આધારિત છે, પરંતુ તે આગ્રહ રાખે છે કે અમેરિકા વાટાઘાટોમાં કેન્દ્રિય ભૂમિકા જાળવી રાખે. જો કે, દિમિત્રીયેવે સંભવિત કરારમાં કઈ ચોક્કસ જોગવાઈઓ શામેલ હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ શરુ કર્યું હતું. રશિયાની મુખ્ય માંગ છે કે યુદ્ધવિરામ શક્ય બને તે પહેલાં યુક્રેન કબજે કરાયેલા વધુ પ્રદેશો પરનો દાવો છોડી દેવા માટે સંમત થાય.


