રશિયા, ચીન ચૂંટણીમાં હસ્તક્ષેપના પ્રયત્નો કરી રહ્યાં છે ઃ બિડેન
મતપત્રોની ડિલિવરી ન થઇ શકે તે માટે ટ્રમ્પ પોસ્ટ વિભાગની નાણાકીય મદદ રોકી રહ્યાં છે
નવેમ્બરમાં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૮
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બિડેને જણાવ્યું છે કે તેમને મળેલી ગુપ્તચર માહિતી મુજબ નવેમ્બરમાં થનારી પ્રમુખ પદની ચૂંટણીમાં રશિયા, ચીન અને અન્ય શત્રુ દેશો હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
બિડેને ચૂંટણી પ્રચાર માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત ડિજિટલ કાર્યક્રમને સંબોધતી વખતે આ આરોપ મૂક્યો હતો. જો કે તેમણે આ આરોપના સમર્થનમાં કોઇ પુરાવા રજૂ કર્યા ન હતાં.
બિડેને જણાવ્યું હતું કે હું જાણું છું કે કારણકે મને ગુપ્ત માહિતી મળી રહી છે. રશિયા હજુ પણ આ પ્રવૃત્તિમાં સંલિપ્ત છે. તે આપણી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. ચીન અને અન્ય દેશો પણ આ પ્રવૃત્તિમાં સામેલ છે.
વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ બિડેનના આ નિવેદનન અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી. બિડેનના પ્રવક્તાએ આ સંદર્ભમાં વધારે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
બિડેને ફરી એક વખત આરોપ મૂક્યો છે કે ટ્રમ્પ પોસ્ટ વિભાગની નાણાકીય મદદ રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જેથી મતપત્રોની ડિલિવરી ન કરી શકે. ચૂંટણી નજીક આવતા જ ટ્રમ્પ અને બિડેન એકબીજા સામે આરોપ મૂકી રહ્યાં છે. બંને નેતાઓ દાવો કરી રહ્યાં છે કે તે ચીન સંબધિત બાબતોનો સારી રીતે ઉકેલ લાવવામાં સક્ષમ છે.