Get The App

નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત, રન-વેથી લપસી જતાં 55 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
Nepal Flight Accident


(IMAGE - x.com/AirBuddha)

Nepal Flight Accident: નેપાળના ઝાપા સ્થિત ભદ્રપુર એરપોર્ટ પર શુક્રવારે રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. કાઠમંડુથી આવેલા બુદ્ધ એરની એક પેસેન્જર ફ્લાઈટ લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગઈ હતી અને રનવેથી આશરે 200 મીટર દૂર ઘાસવાળા વિસ્તારમાં જઈને અટકી ગઈ હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 51 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

ઘટનાની વિગતો

બુદ્ધ એરની ફ્લાઈટ નંબર 901એ શુક્રવારે રાત્રે 8:23 કલાકે કાઠમંડુથી ભદ્રપુર(ઝાપા) જવા માટે ઉડાન ભરી હતી. આશરે 45 મિનિટની મુસાફરી બાદ રાત્રે 9:08 કલાકે વિમાન જ્યારે ભદ્રપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે અચાનક સંતુલન ખોરવાતા તે રનવે પરથી ઉતરી ગયું હતું. આ વિમાનમાં 51 પ્રવાસીઓ અને 4 ક્રૂ મેમ્બર સહિત કુલ 55 લોકો સવાર હતા. સદનસીબે પાયલટની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.

નદી પાસે જઈને અટક્યું વિમાન

કેપ્ટન શૈલેષ લિમ્બુ દ્વારા સંચાલિત આ વિમાન લેન્ડિંગ વખતે સંતુલન ગુમાવતા રનવેની બહાર નીકળી ગયું હતું. વિમાન રનવેથી દૂર વહેતી નદી પાસે જઈને અટક્યું હતું, પરંતુ પાયલટની સૂઝબૂઝથી વિમાન નદીમાં ખાબકતા બચ્યું અને મોટી હોનારત ટળી હતી. ઝાપાના CDO શિવરામ ગેલાલે પુષ્ટિ કરી છે કે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ તમામ 55 લોકો સુરક્ષિત છે.

ટેકનિકલ તપાસ શરૂ

બુદ્ધ એર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, કાઠમંડુથી નિષ્ણાતોની એક ટીમ ટેકનિકલ તપાસ માટે ભદ્રપુર મોકલવામાં આવી છે. આ વિમાનની તે દિવસની છેલ્લી ફ્લાઈટ હતી અને તેને રાત્રે ભદ્રપુર એરપોર્ટ પર જ રોકાવાનું હતું. સવારે તે ફરી કાઠમંડુ પરત ફરવાનું હતું. હાલમાં વિમાનને રનવેના કિનારેથી હટાવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું, ઈરાને કહ્યું - 'અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટારગેટ પર..'

ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા રિન્જી શેરપાએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં વિમાનને મામૂલી નુકસાન થયું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને ટેકનિકલ ખામીના કારણો તપાસવામાં આવી રહ્યા છે.

નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત, રન-વેથી લપસી જતાં 55 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા 2 - image