નેતન્યાહૂના દીકરાની સો.મીડિયા પોસ્ટથી ઈઝરાયલમાં હડકંપ, સત્તાપલટાના કાવતરાનો આરોપ મૂક્યો
Image: X |
Israel-Hamas War: ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂના દીકરાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી, જેણે તેમના આખા દેશને હચમચાવી દીધો. ઈઝરાયલ પ્રમુખના દીકરા યાએર નેતન્યાહૂએ એક પોસ્ટ કરી, જેમાં દાવો કર્યો કે, શું પ્રમુખ એયાલ ઝામિર દેશમાં સત્તા પરિવર્તનની યોજના બનાવી રહ્યા હતા? આ સિવાય તેમણે ઈઝરાયલના પૂર્ણ નિયંત્રણનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે, ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણ કરવાની યોજના ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને ફસાવવાનું એક ષડયંત્ર છે.
ઈઝરાયલમાં લશ્કરી બળવો?
નોંધનીય છે કે, યાએર નેતન્યાહૂ પાસે કોઈ સરકારી પદ નથી. એવામાં તેમના તરફથી સેના પ્રમુખ પર સત્તા પરિવર્તનના ષડયંત્રનો આરોપ લગાવવા પર ભારે વિવાદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, 'ઝામિર ઈચ્છતા હતા કે, વિદ્રોહ કરવામાં આવે અને ઈઝરાયલમાં લશ્કરી બળવો થઈ જાય.'
સેના પ્રમુખનો જવાબ
જોકે, સેના પ્રમુખ એયાલ ઝામિરે આ આરોપોનો વિરોધ કર્યો અને કહ્યું કે, 'તમે આવું કેવી રીતે કહી શકો? તમને આનાથી શું મળશે? તમે કેમ મારા પર પ્રહાર કરી રહ્યા છો? આખરે યુદ્ધ વચ્ચે તમારો એવો તો શું હેતું છે?'
ધમકી ન આપો...: નેતન્યાહૂ
જોકે, હવે આ સમગ્ર વિવાદ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂનો જવાબ સામે આવ્યો છે. તેમણે સેના પ્રમુખને સંબોધિત કરતા કહ્યું કે, 'મીડિયામાં પોતાનું પદ છોડવાની ધમકી ન આપો. હું દરેક વખતે તમારી આવી ધમકીનો સ્વીકાર નથી કરી શકતો, જો અમે તમારા પ્લાનને સ્વીકાર નહીં કરીએ તો તમારે જવું પડશે. મારો દીકરો 33 વર્ષનો છે, તે હવે મોટો થઈ ગયો છે.'
આ પણ વાંચોઃ 3 મોટા કારણો જેના લીધે ટ્રમ્પ ભારતથી ખિજાયા, એક પછી એક અનેક ધમકીઓ આપી
આ મામલે એવી પણ હકીકત બહાર આવી રહી છે કે, ઝામિરની ઈઝરાયલના કેબિનેટ મંત્રીઓ સાથે અસંમતિ રહી છે. ગાઝા પર સંપૂર્ણ કબ્જો કરવાના પ્લાનનો તેમણે સતત વિરોધ કર્યો છે. મંગળવારે (5 ઓગસ્ટ) પણ તેમણે કહ્યું હતું કે, જો આપણે ગાઝા પર સંપૂર્ણ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો તો હમાસની કેદમાં રાખવામાં આવેલા 20 બંધકોને નુકસાન થશે, જે હાલ જીવિત છે અને મુક્તિની રાહ જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે, મંગળવારે (5 ઓગસ્ટ) બેન્જામિન નેતન્યાહૂ કેબિનેટની મીટિંગ થઈ હતી. ત્રણ કલાક ચાલેલી આ મીટિંગમાં સેનાનું મંતવ્ય અને કબ્જાના પ્લાન પર ચર્ચા થઈ હતી. હવે તેને લઈને મતદાન કરાવવાની તૈયારી છે. ઘણાં લાંબા સમયથી ઈઝરાયલમાં આ માંગ થઈ રહી છે. આ મુદ્દે ઝામિરનું કહેવું છે કે, તમે ગાઝામાં એક ઝાળ પાથરી રહ્યા છો, જેનાથી બંધકોની જિંદગી પર જોખમ ઊભું થશે અને સેનાને પણ મોટું નુકસાન થવાની આશંકા છે.