Get The App

બેલ્ઝિયમની ૯૦ વર્ષની કોરોના પોઝિટિવ મહિલાએ વેન્ટીલેટર લેવાની ના પાડી

હું ખૂબ જીવી હવે વેન્ટીલેટર યૂવા દર્દીઓ માટે બચાવી રાખો,

વેન્ટીલેટર લેવાની ના પાડતા બે દિવસમાં મહિલાનું મોત થયું હતું

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
બેલ્ઝિયમની ૯૦ વર્ષની કોરોના પોઝિટિવ મહિલાએ વેન્ટીલેટર લેવાની ના પાડી 1 - image


એન્વર્પ, 3 માર્ચ, 2020, શુક્રવાર 

બેલ્ઝિયમમાં ૯૦ વર્ષની કોરોના પોઝિટિવ મહિલાનું સારવાર દરમિયાન હોસ્પીટલમાં વેન્ટીલેટર લેવાની ના પાડતા મોત થયું હતું. આ વૃધ્ધાએ મહિલા ડૉકટરને કહયું હતું કે પોતે ઘણું સારું જીવન જીવી લીધું હોવાથી વેન્ટીલેટર કોઇ યુવા દર્દી માટે બચાવીને રાખો, પ્રાપ્ત માહિતી અનુસાર બેલ્ઝિયમમાં લૂબેક પાસેના બિન્કોમમાં રહેતી સુઝાન હોયલર્ટસ નામની વૃધ્ધાને અશકિતની સાથે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આથી ૨૦ માર્ચના રોજ હોસ્પીટલમાં દાખલ કરતા તપાસ દરમિયાન કોરોના સંક્રમણ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કોરોના પોઝિટિવ હોવાથી તેને આઇસોલેશનમાં રાખવામાં આવી પરંતુ અચાનક જ તબીયત વધુ ખરાબ થતા વેન્ટીલેટર પર ફરજીયાત રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.  ડૉકટરે મહિલાને આર્ટિફિશિયલ રેસ્પિરેશન સિસ્ટમ પર રાખવાનો નિર્ણય કરતા મહિલાએ કહયું કે વેન્ટીલેટર યુવા દર્દીઓ માટે બચાવીને રાખોે હવે મને મોત આવે તો પણ અફસોસ નથી. 

જો કે ૯૦ વર્ષના વૃદ્ધ મહિલાએ વેન્ટીલેટર લેવાનો ઇન્કાર કર્યો એ પછી પણ બે દિવસ જીવ્યા હતા. સારી આરોગ્ય સેવાઓ ધરાવતા દેશમાં પણ મેડિકલ સાધનો અને વેન્ટીલેટરની અછત ઉભી થઇ રહી છે એ વૃધ્ધા જાણતા હતા આથી જ વેન્ટીલેટર લેવાની ના પાડીને યુવા દર્દીઓને આપવાની લાગણી પ્રગટ કરી હતી.

મૃત વૃધ્ધાની ૫૫ વર્ષની પુત્રી જુડિથે બેલ્ઝિયમના એક સ્થાનિક અખબારને આપેલી મુલાકાતમાં કહયું કે પોતાની માતા કોરોના વાયરસના સંપર્કમાં કેવી રીતે એવી એ સમજી શકતી નથી. મહામારી પહેલા પણ પોતાને હંમેશા સેલ્ફ આઇસોલેશનમાં રાખતી હતી. વેન્ટીલેટર્સનો ઉપયોગ દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો માટે થાય તેવું માતા ઇચ્છતી હતી. બેલ્ઝિયમમાં કોરોના વાયરસના ૧૩૦૦૦થી વધુ કેસો બન્યા છે જયારે ૭૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઇટલી અને અમેરિકામાં કોરાના વાયરસનું સંકટ જોઇને યૂરોપ સહિતના દેશોમાં ડર વધી રહયો છે આવા સંજોગોમાં વૃધ્ધોનું આરોગ્ય જાળવવું એક પડકાર બની ગયો છે.

Tags :