પાઇપલાઇનનું ખોદકામ બન્યું જેકપોટ: બેલ્જિયમના ભોંયરામાંથી મળ્યા રૂ. 100 કરોડના સોનાના સિક્કા અને બાર, ખજાનો કોને મળશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rs 100 Crore Gold Coins and Bars Found in Belgium Basement During Pipeline Digging | કલ્પના કરો કે તમે તમારા જૂના મકાનના ભોંયરામાં ગટરની પાઇપ નાખવા માટે ખોદકામ કરી રહ્યા છો અને અચાનક દિવાલમાંથી ઈંટોની જગ્યાએ સોનાના ચમકતા બિસ્કિટ અને સિક્કાનો ઢગલો બહાર આવવા લાગે છે, તો તમને કેવું લાગે? ફિલ્મી લાગે એવી આ ઘટના બેલ્જિયમમાં હકીકતમાં બની છે. ત્યાં એક જૂના મકાનનું સમારકામ કરી રહેલા કામદારોને આશરે €9 મિલિયન (લગભગ ₹100 કરોડ) મૂલ્યનો સોનાનો ખજાનો હાથ લાગ્યો છે. ચાલો જાણીએ કે આ રોમાંચક ઘટના ક્યાં, ક્યારે અને કઈ રીતે બની.
સામાન્ય ખોદકામ દરમિયાન ખજાનો હાથ લાગ્યો
બેલ્જિયમના પૂર્વ ફ્લેન્ડર્સ વિસ્તારમાં આવેલા ડેન્ડરમોન્ડે શહેરમાં એક જૂની મિલકતનું સમારકામ ચાલી રહ્યું હતું. બાંધકામ ટીમ ત્યાં નવી ગટર લાઇન નાખવા માટે ભોંયરાના પાયામાં ખોદકામ કરી રહી હતી. આ ટીમમાં 18 વર્ષનો એક યુવાન વિદ્યાર્થી કોબે પણ હતો, જે વેકેશન દરમિયાન ઉનાળુ નોકરી (સમર જોબ) કરી રહ્યો હતો.
કામ દરમિયાન અચાનક દિવાલમાંથી પીળી ચમકતી ધાતુ દેખાવા લાગી. શરૂઆતમાં કોબેને લાગ્યું કે આ માત્ર €1 ના સામાન્ય સિક્કા હશે, પરંતુ જેમ-જેમ વધુ ખોદકામ થયું તેમ-તેમ સોનાના બિસ્કિટ (ગોલ્ડ બાર) અને સિક્કાઓથી ભરેલી પ્લેટો બહાર આવવા લાગી. થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ નાનો-સૂનો નહીં, પરંતુ અબજો રૂપિયાનો અઢળક ખજાનો છે.
કામદારોએ પ્રામાણિકતા દર્શાવી
આટલી મોટી માત્રામાં સોનું જોઈને કામદારો અચંબિત થઈ ગયા. સાઇટ મેનેજર મારિયો અને યુવાન કોબેએ તરત જ સમજદારી દાખવી. મારિયોએ કહ્યું કે, ‘એટલા બધા સોનાના બિસ્કિટ અને સિક્કા બહાર આવી ગયા હતા કે તેને છુપાવવા અશક્ય હતા. તે રાખી લેવા એટલે સીધી ચોરી જ કહેવાય.’
કામદારોએ જરાય લાલચ રાખ્યા વગર તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ખજાનો કાયદાના રક્ષકોને સોંપી દીધો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સોનું જપ્ત કરી સલામત સ્થળે ખસેડી લીધું છે. આ ઘટનાથી ઉત્સુક થયેલા સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ખજાનાની શોધમાં આ નિર્માણ સ્થળની આસપાસ ન ભટકે.
આ મિલકત કોની છે?
જે મકાનમાંથી આ સોનું મળ્યું છે તે હાલ CAW Oost-Vlaanderen નામની એક સામાજિક કલ્યાણ સંસ્થા (ચેરિટી)ની માલિકીનું છે. આ સંસ્થા ડેન્ડરમોન્ડે વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડે છે. સંસ્થાના ડિરેક્ટર ગીર્ટ હિલાર્ટે આ શોધ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, સંસ્થા દરરોજ અનેક પડકારોનો સામનો કરે છે, તેથી જો કાયદાકીય રીતે આમાંથી કંઈક રકમ સંસ્થાને મળે તો તેનો ઉપયોગ લોકકલ્યાણના કાર્યોમાં કરવામાં આવશે.
કાયદાકીય ગૂંચવણ: આખરે આ ખજાનો કોને મળશે?
હાલમાં આ સોનું ન તો કામદારોનું છે, ન તો તે ચેરિટી સંસ્થાનું. આવા મામલે બેલ્જિયમના કાયદા શું કહે છે, એ જોઈએ.
• આ ખજાનાના અસલ માલિક કે તેના કાયદેસરના વારસદાર પાસે પોતાનો હક સાબિત કરવા માટે 5 વર્ષનો સમય છે.
• સરકારી તપાસ એ પણ ચકાસશે કે આ સોનાનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંબંધ છે કે નહીં.
• જો 5 વર્ષ સુધી કોઈ વારસદાર સામે નહીં આવે અને સોનું ગુનાહિત સાબિત નહીં થાય, તો સિવિલ લૉ હેઠળ આ ખજાનાની રકમ શોધ કરનાર કામદારો અને મિલકતની માલિક સંસ્થા વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવી શકે છે.
આ ઘટના હાલમાં આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તપાસ પૂરી થયા બાદ અને 5 વર્ષના સમયગાળા પછી જ જાણી શકાશે કે ₹100 કરોડના સોનાનો આ ખજાનો આખરે કોના નસીબમાં જશે.









