Get The App

'આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે...', 17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
'આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે...', 17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન 1 - image


Bangladesh Protest: બાંગ્લાદેશમાં અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશના ઢાકા પહોંચી ગયા છે, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે તેઓ ઍરપોર્ટથી બહાર નીકળીને સભા સ્થળે પહોંચ્યા. તારિક રહેમાને કહ્યું કે, 'અમે દેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છીએ છીએ. આપણે નવું બાંગ્લાદેશ બનાવીશું.' તેમના સ્વાગત માટે BNPના 1 લાખથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ત્યારે, ફેબ્રુઆરી 2026ની ચૂંટણી પહેલા તારિક રહેમાનની વાપસીને તેની પાર્ટી મોટી સફળતા માની રહી છે. ધરપકડથી બચવા માટે તેઓ વર્ષ 2008માં લંડન ભાગી ગયા હતા. તે સમયે શેખ હસીનાની સરકારે ભ્રષ્ટાચારના આરોપમાં કાર્યવાહી આદરી હતી.

વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદથી બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. બુધવારે ઢાકામાં એક શક્તિશાળી વિસ્ફોટ બાદ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ઊઠી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું. વિસ્ફોટ બાદ ટોળાએ મોડી રાત્રે ઢાકા યુનિવર્સિટીમાં તોડફોડ કરી, જેને લઈને ડરનો માહોલ સર્જાયો. હુમલાખોર કાજી નજરૂલ ઇસ્લામની કવિતાઓ અને ધાર્મિક નારા લગાવતા ટેબલ-ખુરશી તોડતા રહ્યા.

આ પણ વાંચો: 17 વર્ષ બાદ ડાર્ક પ્રિન્સની વાપસીથી બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ! ભારત માટે ખતરાની ઘંટી?

તારિક રહેમાને ભાષણ આપતાં કહ્યું કે, 'તેઓ અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, જેની કૃપાથી તેઓ પોતાની માતૃભૂમિમાં પરત ફરી શક્યા. આ ધરતી છે, જેને 1971માં ભારે બલિદાનો બાદ આઝાદી મળી હતી. આ પ્રકારનું એક આંદોલન 2024માં જોવા મળ્યું, જ્યારે 5 ઑગસ્ટના રોજ લોકોને દેશની સંપ્રભુતાની રક્ષા માટે ઊભા થઈને સંઘર્ષ કર્યો. આજે સમય છે કે આપણે સૌ એકજૂટ થઈએ. મુસ્લિમ, ઇસાઇ, બૌદ્ધ અને હિંદુ તમામ મળીને અહીં રહીએ. આપણે મળીને એક નવું બાંગ્લાદેશ બનાવવાનું છે.'

તારિક રહેમાને શેખ હસીના સરકારની ટીકા કરતાં કહ્યું કે, '15 વર્ષના શાસન(શેખ હસીના સરકાર)માં કોઈપણ ખુલીને કંઈ ન કહી શક્યું. 2024ના આંદોલનના નેતા ઉસ્માન હાદીની હત્યા કરી દેવાઈ હતી, જે એક બહાદુર નેતા હતા.'

વધુમાં તેમણે કહ્યું કે, 'આ દેશની કમાન હવે યુવા પેઢી સંભાળશે. અમે બાંગ્લાદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છીએ છીએ. માર્ટિન લૂથર કિંગે કહ્યું હતું કે આઇ હેવ એ ડ્રીમ. આજે હું કહેવા માગું છું કે મારી પાસે એક પ્લાન છે. પોતાના દેશના લોકો માટે અને પોતાના દેશના ભવિષ્ય માટે.'

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુની વસતી 14 ટકાથી ઘટી 7 ટકા રહી ગઇ, મુસ્લિમોની વધી