- પાડોશી દેશમાં કટ્ટરવાદીઓનો અત્યાચાર વધતા હિન્દુઓનું સ્થળાંતર વધ્યું
- 2022માં બાંગ્લાદેશની વસતી 17 કરોડ હતી જેમાં 1.30 કરોડ હિન્દુ હતા, મુસ્લિમો 85.4 ટકાથી વધી 91 ટકા થયા
ઢાકા : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારોને પગલે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. જ્યારે બાંગ્લાદેશની રચના થઇ ત્યારે ત્યાં હિન્દુઓની વસતી ૨૦થી ૨૨ ટકા હતી. આશરે એકથી દોઢ કરોડ હિન્દુઓ બાંગ્લાદેશમાં રહેતા હતા, જોકે હવે આ સંખ્યા ઘટીને આઠ ટકાથી પણ નીચે પહોંચી ગઇ છે. એટલે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા છેલ્લા ૫૪ વર્ષમાં ૧૪ ટકાથી ઓછી થઇ ગઇ છે.
વર્ષ ૨૦૨૨ની વસતી ગણતરી મુજબ બાંગ્લાદેશની કુલ વસતી ૧૭ કરોડ હતી, જેમાં હિન્દુઓની સંખ્યા ૧ કરોડ ૩૦ લાખ રહી છે. હિન્દુઓની દુકાનો ઘરો મંદિરો પર હુમલા વધી રહ્યા છે જેને પગલે મોટી સંખ્યામાં હિન્દુઓ સ્થળાંતર કરી રહ્યા છે અને બાંગ્લાદેશ છોડી રહ્યા છે.
જેને કારણે જ બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. સ્વતંત્ર બાંગ્લાદેશમાં પહેલી વસતી ગણતરી વર્ષ ૧૯૭૪માં થઇ હતી તે સમયે હિન્દુઓની કુલ સંખ્યા કુલ વસતીના ૧૩.૫ ટકા હતી. આ ટકાવારી બાદમાં ૧૯૮૧માં ઘટીને ૧૨.૧ ટકાએ પહોંચી ગઇ હતી. ૧૯૯૧માં ૧૦.૫ ટકા અને ૨૦૦૧માં ૮.૫ ટકા હતી. બીજી તરફ મુસ્લિમોની વસતીમાં વધારો થતો જોવા મળ્યો, વર્ષ ૧૯૭૪માં બાંગ્લાદેશમાં મુસ્લિમોની કુલ સંખ્યા કુલ વસતીના ૮૫.૪ ટકા હતી, જે વર્ષ ૨૦૧૧માં વધીને ૯૧.૫ ટકાએ પહોંચી હતી. બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં હિન્દુઓ ભારત તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
ભારતમાં તેમને ધાર્મિક, સાંસ્કૃતિક, પારિવારિક અને રાજનીતિક સુરક્ષાની આશા હોય છે. એવામાં ગયા વર્ષે શેખ હસીનાને વડાંપ્રધાન પદેથી હટાવીનેે કટ્ટરવાદીઓના હાથમાં બાંગ્લાદેશની કમાન આવી તે બાદથી જ હિન્દુઓ પર અત્યાચાર વધ્યો છે. તાજેતરમાં જ એક ગાર્મેન્ટ ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હિન્દુ યુવકની કટ્ટરવાદી ટોળાએ જાહેરમાં હત્યા કરી નાખી હતી અને બાદમાં તેના મૃતદેહને વૃક્ષ સાથે લટકાવીને આગ લગાવી દીધી હતી. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ સહિતના લઘુમતીઓમાં ભય ફેલાવવાના ઇરાદાથી પણ આવી ક્રૂર ઘટનાઓને કટ્ટરવાદીઓ અંજામ આપી રહ્યા છે કે જેથી તેઓ સ્થળાંતર કરે અને બાંગ્લાદેશ છોડીને જતા રહે. ૧૯૯૦માં રમખાણો થયા, ૨૦૦૧ની ચૂંટણી પછી પણ હિંસા ફાટી નીકળી હતી અને૨૦૨૪માં શેખ હસીનાની સરકાર જતી રહી તે બાદથી ૨૦૦થી વધુ હુમલા થયા.


