World

બાંગ્લાદેશ : ફેબ્રુઆરીમાં ચૂંટણી પછી યુનુસ નવી સરકારને સત્તા સોંપશે, ચારે બાજુથી દબાણ વચ્ચે જાહેરાત

By GS TEAM
26 Aug 20252 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય અશાંતિ અને ચૂંટણી યોજવાની માંગ વચ્ચે દેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેમની વચગાળાની સરકાર ફેબ્રુઆરી-2026ના પહેલા પખવાડિયામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવશે અને ત્યારબાદ ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી દેવામાં આવશે. આ જાહેરાત બાંગ્લાદેશના રાજકીય ભવિષ્ય માટે એક નિર્ણાયક પગલું છે, જેનાથી સ્થિરતા અને લોકશાહી પુનઃસ્થાપિત થવાની આશા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશ : ફેબ્રુઆરીમાં ચૂંટણી પછી યુનુસ નવી સરકારને સત્તા સોંપશે, ચારે બાજુથી દબાણ વચ્ચે જાહેરાત

Bangladesh Election 2026 : બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય અશાંતિ અને ચૂંટણી યોજવાની માંગ વચ્ચે દેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેમની વચગાળાની સરકાર ફેબ્રુઆરી-2026ના પહેલા પખવાડિયામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવશે અને ત્યારબાદ ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી દેવામાં આવશે. આ જાહેરાત બાંગ્લાદેશના રાજકીય ભવિષ્ય માટે એક નિર્ણાયક પગલું છે, જેનાથી સ્થિરતા અને લોકશાહી પુનઃસ્થાપિત થવાની આશા વધી છે.

બાંગ્લાદેશમાં નવું પરિવર્તન

સરકારી સમાચાર એજન્સી બીએસએસના જણાવ્યા અનુસાર, યુનુસે (Muhammad Yunus) એક ઉચ્ચ-સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું કે, ‘હવે આપણે આપણા દેશના રાજકીય ઈતિહાસમાં નવા પરિવર્તન માટે તૈયાર છીએ. દેશ મોટાભાગે સ્થિર થઈ ગયો છે અને ચૂંટણી માટે તૈયાર છે. આથી અમે ફેબ્રુઆરી 2026ના પહેલા પખવાડિયામાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરીએ છીએ.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વચગાળાની સરકારની જગ્યા એક ચૂંટાયેલી સરકાર લેશે.

પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનું શાસન

યુનુસે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના શાસનનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ‘આપણે આપણા રાજકીય ઈતિહાસના એક મહત્વપૂર્ણ વળાંક પર છીએ. એક વર્ષ પહેલાં આપણે એક ભીષણ હત્યાકાંડમાંથી પસાર થયા હતા. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ દેખાવો કરતા દેશ ફાસીવાદી શાસનથી આઝાદ થયું હતું.’ યુનુસનું આ નિવેદન હસીના સરકારના શાસનકાળ તરફ ઈશારો કરી રહી છે. યુનુસ સહિતના અનેક રાજકીય વિરોધીઓ હસીના સરકાર પર દમન અને માનવાધિકાર ઉલ્લંઘનના અવારનવાર આરોપો લગાવતા રહ્યા છે.

આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે ચીનને ખુશ કરવા ટ્રમ્પે એવી જાહેરાત કરી કે અમેરિકામાં તેમના સમર્થકોનો જ ભારે વિરોધ

હસીનાને સત્તા છોડવી પડી

ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાને 5 ઓગસ્ટ-2024ના રોજ વિદ્યાર્થીઓના દેશવ્યાપી આંદોલન બાદ સત્તા છોડવી પડી હતી. આ દેખાવો સિવિલ સર્વિસની નોકરીઓમાં કોટા સિસ્ટમ વિરુદ્ધ થયા હતા. આ દરમિયાન દેશમાં ભારે દેખાવો સાથે હિંસા થઈ હતી. તે વખતે હિંસક ટોળું વડાંપ્રધાનના નિવાસસ્થાન તરફ ધસી આવ્યું હતું અને ત્યાં ભારે તોડફોડ કરી હતી. હુમલા પહેલા શેખ હસીના પોતાના કેટલાક નજીકના લોકો સાથે વિમાનમાં ભારત આવી ગયા હતા.

હસીના પર કેસ

ભારત આવ્યા બાદ શેખ હસીના પર બાંગ્લાદેશમાં કેસ ચાલી રહ્યો છે. તેમના પર અનેક ગંભીર આક્ષેપો કરાયા છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલમાં તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવી રહ્યા છે. આ કેસમાં હત્યા, સત્તાનો દુરુપયોગ, અને માનવાધિકાર ઉલ્લંઘન જેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હસીનાએ આ તમામ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે, પરંતુ તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : એક જ મંચ પર હશે PM મોદી, પુતિન અને જિનપિંગ; ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો 'પાવર શો'