Bangladesh Unrest: બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર નફરતે જીવ લેવાનો પ્રયાસ કર્યો. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના એક હિન્દુ વ્યક્તિને ટોળાએ ઘેરી લીધો હતો. તેને પહેલા ક્રૂર રીતે માર મારવામાં આવ્યો, પછી છરી મારી અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થયો.
છેલ્લી ઘડીએ ખોકન ચંદ્રે નજીકના તળાવમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો. પરંતુ આ હુમલો ફરી એકવાર બતાવે છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતો અત્યાચાર કઈ હદ સુધી પહોંચી ચૂક્યો છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના બુધવારે મોડી સાંજે બની હતી. ખોકન ચંદ્ર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક લોકોના એક ટોળાએ તેને ઘેરી લીધો. ત્યારબાદ ટોળાએ તેને લાતો અને મુક્કા માર્યા. તે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યો, પરંતુ હુમલાખોરો ત્યાં અટક્યા નહીં. ટોળાએ પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તે જીવ બચાવવા માટે નજીકના તળાવમાં કૂદી ગયો.
બે અઠવાડિયામાં ત્રીજી ઘટના
આ અગાઉ બાંગ્લાદેશમાં 18 ડિસેમ્બર 2025ના રોજ દીપુ ચંત્ર દાસની ટોળાએ હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને વૃક્ષ સાથે બાંધીને સળગાવી દેવાયો હતો. તેના પર ઈશનિંદાનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદ 25 ડિસેમ્બર 2025ના રોજ ટોળાએ અમૃત મંડલની ઢોર માર મારીને હત્યા કરી હતી. ત્યારબાદ 29 ડિસેમ્બર 2025ના રોજ બજેન્દ્ર બિસ્વાસ નામના યુવકની તેમના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પુતિનના ઘર પર હુમલા મામલે ટ્વિસ્ટ, અમેરિકાને યુક્રેનના ડ્રોન હુમલાના કોઈ પુરાવા ન મળ્યાં
જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યુસુના નેતૃત્વ વાળી વચગાળાની સરકારના કાર્યકાળમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હિંસાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને વિશ્વભરમાં ચિંતા અને માનવાધિખાર સંગઠનોમાં આક્રોશ છે. ગત અઠવાડિયે ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલી હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાના પાડોશમાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે.

