'મારો મિત્ર મારી નજર સામે સળગી ગયો', ઢાકા પ્લેન ક્રેશના પીડિતોની આપવીતી; મૃત્યુઆંક 27
Images Sourse: DD News |
Bangladesh Fighter Jet Crash: બાંગ્લાદેશના ઢાકામાં માઈલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં 21મી જુલાઈના રોજ એરફોર્સનું એક F-7 ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનમાં 27 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે અને 170થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મોટાભાગના સ્કૂલના બાળકો છે. ત્યારે પ્લેન ક્રેશ અંગે શિક્ષિકા પૂર્ણિમા દાસે પોતાની આપવીતી જણાવી હતી.
દુર્ઘટનાના દ્રશ્યો ખૂબ ભયાનક હતા:પૂર્ણિમા દાસ
વિમાન દુર્ઘટના અંગે માઈલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના શિક્ષિકા પૂર્ણિમા દાસે જણાવ્યું હતું કે, 'સોમવારે (21મી જુલાઈ) બપોરે હું ક્લાસ પૂર્ણ કરીને શિક્ષકોના રૂમમાં આવી ત્યારે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. શું થયું તે જોવા માટે હું શિક્ષકોના રૂમમાંથી બહાર આવી, પરંતુ જે દ્રશ્ય જોયા તે ખૂબ ભયાનક હતા. બાળકો ડરના માર્યા આમતેમ દોડી રહ્યા હતા અને કેટલાક બાળકો આગની ઝપેટમાં આવી હતા.'
પૂર્ણિમા દાસે જણાવ્યું હતું કે, 'માઈલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજનો કેમ્પસ સળગી રહ્યો હતો. મારા એક સાથી શિક્ષક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. તે મારી નજર સામે સળગી ગયો હતો. હું ત્યાં જ પથ્થરની જેમ ઊભી રહી હતી. ત્યારબાદ કોઈએ મને ખેંચીને બહાર કાઢી હતી.'
વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ
પ્લેન ક્રેશ વિશે બાંગ્લાદેશની સેનાએ જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ હતી. પાયલટે વિમાનને વસાહતથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શાળા સાથે અથડાયું હતું. આ મામલે વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.' આ ઘટનાને કારણે બાંગ્લાદેશના સરકારે રાજકીય શોક જાહેર કર્યો છે.