ગાઝા માટે ટ્રમ્પના પ્રસ્તાવને UNSCની મંજૂરી: આંતરરાષ્ટ્રીય સેના મેદાનમાં આવશે, શાંતિ બોર્ડ લેશે મોટા નિર્ણય

Trump’s 20-Point Gaza Peace Roadmap Gets Global Nod : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 'ગાઝા શાંતિ યોજના' (Gaza Peace Plan)ને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના પ્રસ્તાવ પર યુએનએસસીમાં મતદાન યોજાયું જેમાં બહુમતીથી 20 સૂત્રીય રોડમેપ પસાર કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રમ્પના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું. ટ્રમ્પ અને અમેરિકાની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વિરામ થયો. બે વર્ષના યુદ્ધ બાદ બંધકોને પણ છોડી દેવામાં આવ્યા. અમેરિકાને પ્રસ્તાવ પર આંતરરાષ્ટ્રીય મહોર બાદ હવે આ પ્રસ્તાવ આંતરરાષ્ટ્રીય આદેશમાં પલટાઈ ગયો છે. હવે ગાઝામાં આંતરરાષ્ટ્રીય સૈનિકો તૈનાત કરવામાં આવશે. ગાઝામાં સંઘર્ષ વિરામ બાદ હવે પુનરનિર્માણ પણ શરૂ કરવામાં આવશે.
હવે બોર્ડ ઓફ પીસ એટલે કે શાંતિ બોર્ડની પણ રચના કરવામાં આવશે. ટ્રમ્પ પોતે તેના પ્રમુખ હશે. અન્ય દેશોને પણ બોર્ડમાં સામેલ કરાશે. જે ગાઝામાં શાંતિ સ્થાપના મુદ્દે નિર્ણયો લેશે.
જોકે હમાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. હમાસનું માનવું છે કે આ પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના લોકોની માંગ સ્વીકારવામાં આવી નથી. ગાઝાને એક આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીશીપ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ.

