બાંગ્લાદેશ : ટેસ્ટ વગર જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બનાવનાર હોસ્પિટલ માલિકની ધરપકડ
- 6300 લોકોનો કોરોના ટેસ્ટ કર્યા વગર જ નગેટિવ રિપોર્ટ આપી દીધો
ઢાકા, તા. 17 જુલાઇ 2020, શુક્રવાર
આખી દુનિયામાં જ્યાં એક તરફ કોરોના ટેસ્ટને લઇને લોકો પડપડી કરી રહ્યા છે, તેવામાં બીજી તરફ નકલી રિપોર્ટ બનાવવાનો ધંધો પણ ખૂબ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં આવી જ ઘટના સામે આવી છે. હાજરોની સંખ્યામાં કોરોનાના નેગેટિવ રિપોર્ટ બનાવવાના આરોપમાં એક હોસ્પિટલ માલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલિસનું કહેવું છે કે આ વ્યક્તિએ પોતાના બે ક્લિનિકમાં હજારો લોકોને કોરોનાના નેગેટિવ રિપોર્ટ બનાવીને આપ્યા છે. માત્ર આટલું જ નહીં પરંતુ, પકડાઇ જવાના ડરથી આરોપી બુરખો પહેરીને બાંગ્લાદેશમાંથી ભારત ભાગવાની તૈયારીમાં હતો. તે પહેલા જ પોલિસે તેની ધરપકડ કરી છે.
42 વર્ષના આ વ્યક્તિનું નામ મોહમ્મદ શાહિદ છે. જે લોકોના ટેસ્ટ કર્યા વગર જ કોરોના નેગેટિવ હોવાનું સર્ટિફિકેટ આપતો હતો. પોલિસ છેલ્લા નવ દિવસથી આ વ્યક્તિને શોધી રહી હતી. આ કૌભાડને લગતા એક ડઝનથી પણ વધારે લોતકોને પોલિસે છેલ્લા કેટલાક દિવસોમાં પકડ્યા છે. ડોક્ટરો અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ નકલી રિપોર્ટના કારણે દેશમાં સ્થિતિ ખરાબ થઇ રહી છે. રેપિડ એક્શન બટાલિયનના પ્રવક્તાએ જણાવ્યું કે આ વ્યક્તિને ભારત બાંગ્લાદેશ સરહદ પર આવેલી નદીના કિનારેથી પકડવામાં આવ્યો છે.
મોહમ્મદ શાહિદ નામના આ વ્યક્તિની હોસ્પિટલમાં કુલ 10,500 લોકોના કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી 4200 લોકોના રિપોર્ટ સાચા છે, જ્યારે બાકીના 6300 લોકોને ટેસ્ટ કર્યા વગર જ નગેટિવ રિપોર્ટ આપી દીધો છે. આ સિવાય શાહિદ પર કોરોના ટેસ્ટ અને સારવાર માટે પૈસા લેવાનો પણ આરોપ છે. જ્યારે તેણે સરકારને મફતમાં સારવારની વાત કરી હતી. આ સિવાય પોલિસે એક મહિલા ડોક્ટર અને તેના પતિની પણ ધરપકડ કરી છે. તેના પર પણ નકલી રિપોર્ટ બનાવવાનો આરોપ છે.