Get The App

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, 4ના મોત, નવ ઘાયલ, સુરક્ષા દળોના ફાયરિંગનો ભોગ બન્યા હોવાનો આરોપ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, 4ના મોત, નવ ઘાયલ, સુરક્ષા દળોના ફાયરિંગનો ભોગ બન્યા હોવાનો આરોપ 1 - image


Bangladesh Gopalganj Clashes: બાંગ્લાદેશ ઘરેલુ હિંસાની આગમાં ભભૂકી રહ્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના શહેર ગોપાલગંજમાં અવામી લીગ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં ચાર લોકો માર્યા ગયા છે. આ હિંસા ગોપાલગંજમાં શેખ હસીનાના સત્તા પલટો કરાવનારી વિદ્યાર્થીઓની પાર્ટી એનસીપીના આંદોલન પહેલાં થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે ગોપાલગંજ વર્ચ્યુઅલ યુદ્ધ ભૂમિમાં તબદીલ થયુ હતું. અહીં દિવસભર આગચાંપી, હિંસા અને ગોળીબાર થયા હતાં. સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ થતાં ચાર લોકોનો મોત અને અનેક ઘવાયા હોવાનો આરોપ વિદ્યાર્થી સંગઠને મૂક્યો છે.

ગોળીબારમાં ચારના મોત

આ હિંસામાં આડેધડ થઈ રહેલા ગોળીબારમાં ચાર લોકો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને ગોપાલગંજ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ગોળીબારમાં અન્ય નવ લોકો પણ ઘાયલ થયા હતાં. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ સ્થિતિ ગંભીર છે. 

આ પણ વાંચોઃ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની આર્મીના 29 સૈનિકો ઠાર કર્યાનો દાવો, કહ્યું - આઝાદી સુધી કિંમત ચૂકવવી પડશે

સુરક્ષા માટે બીજીબીની ચાર ટીમ તૈનાત

ગોપાલગંજમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ની ચાર વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા અધિકારીઓએ ઉપદ્રવીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, ગોપાલગંજમાં બુધવારે રાત્રે આઠ વાગ્યાથી 22 કલાકનો કરફ્યુ લાદવાનો આદેશ અપાયો હતો. એનસીપી પર હુમલો કરનારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  મીડિયા રિપોર્ટ અને પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, વાંસની લાકડીઓ અને ઈંટ-પથ્થરો વડે દેખાવકારોએ પોલીસ અને સેના તથા બીજીબી સહિત સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.

 

કોણે કર્યો હિંસક દેખાવ

ઢાકા ટ્રિબ્યૂન અનુસાર, એનસીપી ગોપાલગંજમાં મ્યુનિસિપલ પાર્કમાં એક જનસભા કરી રહી હતી. તે સમયે કથિત રૂપે અવામી લીગ અને તેના પ્રતિબંધિત વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ ભીડ પર હુમલો કર્યો હતો. બાંગ્લાદેશમાં નેશનલ સીટિઝન પાર્ટી (એનસીપી) એક નવી રાજકીય પાર્ટી છે. જેની રચના 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થઈ હતી. આ પાર્ટી ઓગસ્ટમાં 2024માં અવામી લીગ સરકારના પતન બાદ ઉભરી હતી. એનસીપીનું નેતૃત્વ નાહિદ ઈસ્લામ નામના વિદ્યાર્થી નેતા કરી રહ્યા છે. આ પાર્ટી બાંગ્લાદેશને મુજીબવાદથી મુક્તિના સુત્રોચ્ચાર સાથે આંદોલન કરે છે. એનસીપીના નેતાએ દાવો કર્યો હતો કે, ગોપાલગંજમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 

ગઈકાલે બપોરે આશરે 1.45 વાગ્યે લગભગ 200-300 સ્થાનિક અવામી લીગ સમર્થકો લાકડી-ડંડા લઈ સીએનપી રેલીમાં પહોંચ્યા હતાં. જ્યાં અચાનક હુમલો કર્યો હતો. પોલીસ પર પણ હુમલો કરતાં પોલીસ કર્મી પણ જીવ બચાવવા નજીકમાં આવેલી કોર્ટના પ્રાંગણમાં પહોંચ્યા હતાં. બાદમાં એનસીપી નેતા અને કાર્યકરો ત્યાંથી જતાં રહ્યા હતાં. આ હુમલો કરનારા લોકો અવામી લીગના સમર્થક છે.

અવામી લીગે શું કહ્યું

અવામી લીગે આ આરોપને પાયાવિહોણા ગણાવતાં કહ્યું છે કે, બાંગ્લાદેશની સેના અને એનસીપીના કાર્યકરોએ આ હિંસાને અંજામ આપ્યો છે. કોઈપણ ભય વિના બાંગ્લાદેશની સેનાએ ગોપાલગંજમાં એક નાગરિકને હેરાન કર્યો હતો. તેને રસ્તા પર ઢસેડી માર માર્યો હતો. જેથી આખા દેશમાં ભયનો માહોલ સર્જાયો છે.

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, 4ના મોત, નવ ઘાયલ, સુરક્ષા દળોના ફાયરિંગનો ભોગ બન્યા હોવાનો આરોપ 2 - image

Tags :