બલૂચ લિબરેશન આર્મીનો 29 પાકિસ્તાની સૈનિકો ઠાર કર્યાનો દાવો, કહ્યું- આઝાદી સુધી કિંમત ચૂકવવી પડશે
BLA Attack: બલૂચ લિબરેશન આર્મી (BLA) નો દાવો છે કે તેણે કલાત અને ક્વેટામાં બે અલગ અલગ કાર્યવાહીમાં 29 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને મારી નાખ્યા છે. BLA એ પણ બળવો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. BLA એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેના ખાસ એકમ ફતહ સ્ક્વોડ દ્વારા ક્વેટામાં પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓને લઈ જતી બસ પર IED હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો BLA ના ગુપ્તચર એકમ ZIRAB ને મળેલી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યો હતો અને અમે ઓપરેશનમાં સફળ રહ્યા.
ZIRABએ પાકિસ્તાની સેના પર નજર રાખી હતી
ZIRABએ કરાચીથી ક્વેટા જઈ રહેલી પાકિસ્તાની સૈનિકોની બસ પર સતત નજર રાખી હતી. આ દરમિયાન, BLA એ IED થી હુમલો કર્યો. આ હુમલામાં 27 પાકિસ્તાની સૈનિકો ઘટનાસ્થળે જ માર્યા ગયા, જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. બસમાં કેટલાક કવ્વાલી ગાયકો પણ હતા. BLA એ કહ્યું કે, 'બસમાં હાજર કવ્વાલી કલાકારો તેમનું લક્ષ્ય નહોતા, તેથી તેમને કોઈ નુકસાન થયું નથી.'
BLA એ કલાતના હજાર ગંજી વિસ્તારમાં બીજો IED હુમલો કર્યો, જે પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે સૈનિકો માર્યા ગયા હતા. કલાતમાં આ કાર્યવાહીમાં સેનાના માળખાને પણ ભારે નુકસાન થયું હતું.
આ પણ વાંચો: એશિયામાં નવા યુદ્ધના ભણકારા! ચીને તાઈવાન નજીક 58 ફાઈટર જેટ તહેનાત કરતાં ટેન્શન
BLA એ બંને હુમલાઓની જવાબદારી લીધી
BLA એ બંને હુમલાઓની જવાબદારી લીધી અને કહ્યું કે, 'બલૂચિસ્તાનને આઝાદી ન મળે ત્યાં સુધી પાકિસ્તાની સેના સામે અમારું યુદ્ધ ચાલુ રહેશે, સાથે જ ચેતવણી પણ આપી હતી કે પાકિસ્તાની સેનાને આની કિંમત ચૂકવવી પડશે. અગાઉ, 11 માર્ચે, BLA ના લડવૈયાઓએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી હતી, જેના પછી હોબાળો મચી ગયો હતો. ટ્રેનમાં 440 મુસાફરો હતા. આ હુમલામાં BLA એ 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 26 લોકોના મોત નિપજ્યા હતા.