ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરતાં જ વધ્યું ટેન્શન! બળવાખોર નેતાએ આપી ખુલ્લી ચેતવણી
Baloch Leader Warned Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ પાકિસ્તાનમાં વિશાળ તેલ ભંડાર બનાવવામાં મદદ કરશે. જેને લઈને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચેના 'ઐતિહાસિક' વેપાર કરાર માટે ટ્રમ્પનો આભાર માન્યો અને આશા વ્યક્ત કરી કે આનાથી બંને દેશો વચ્ચે સહયોગ વધશે. બીજી તરફ, બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ટ્રમ્પને પત્ર લખીને ચેતવણી આપતાં કહ્યું કે, 'ઇસ્લામાબાદના લશ્કરી નેતૃત્વએ પાકિસ્તાનના સંસાધનોની વાસ્તવિક ભૂગોળ અને માલિકી વિશે અમેરિકાને ગેરમાર્ગે દોર્યું છે. આ તેલ ભંડાર પંજાબમાં નહીં પરંતુ બલૂચિસ્તાનમાં સ્થિત છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જાહેરાત કરી હતી કે અમેરિકા અને પાકિસ્તાને દેશના તેલ ભંડાર વિકસાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.'
પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ - મીર યાર બલોચે આપી ચેતવણી
આ અંગે પ્રતિક્રિયા આપતા બલૂચિસ્તાન બળવાખોર નેતાએ મીર યાર બલોચે કહ્યું કે, ટ્રમ્પ દ્વારા પ્રદેશના તેલ અને ખનિજ ભંડારની ઓળખ 'સાચી' છે, પરંતુ આ ભંડાર 'પાકિસ્તાનના પંજાબમાં નહીં, પરંતુ બલૂચિસ્તાનમાં સ્થિત છે, જે ઐતિહાસિક રીતે સ્વતંત્ર રાષ્ટ્ર છે અને હાલમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. આ સંસાધનો પર પાકિસ્તાનનો દાવો 'માત્ર ખોટો નથી, પરંતુ તે રાજકીય અને આર્થિક લાભ માટે બલૂચિસ્તાનની સંપત્તિ હડપ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.'
પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરતાં અમેરિકાનું ટેન્શન વધ્યું
મીર યાર બલોચે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનની કટ્ટરપંથી સેના અને ISI એજન્સી બલૂચિસ્તાનના મૂલ્યવાન ખનીજ સુધી પહોંચી જાય છે, તો તે યુએસ અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો હશે. બલૂચિસ્તાનના ટ્રિલિયન ડૉલરના દુર્લભ ખનિજ સંસાધનોને પાકિસ્તાની સેના અને ISIને ઍક્સેસ આપવી એ એક વ્યૂહાત્મક ભૂલ હશે. આનાથી તેમની આતંકવાદી ક્ષમતાઓમાં વધારો થશે જ, પરંતુ તેઓ નવી ભરતી પણ કરી શકે છે અને 9/11 જેવા હુમલાઓ ફરીથી થઈ પણ શકે છે.'
આ પણ વાંચો: 2900 મોત અને લાખો લોકોનું હિંસક આંદોલન, ભારતના પડોશી દેશમાં ચાર વર્ષ બાદ કટોકટીનો અંત
પાકિસ્તાન સેનાની તાકાત વધી તો આ થશે નુકસાન
તેમણે એમ પણ કહ્યું કે બલૂચિસ્તાનના લૂંટાયેલા સંસાધનો ત્યાંના લોકોને પણ લાભ નહીં આપે અને પ્રાદેશિક શાંતિને પણ નુકસાન પહોંચાડશે. તેમજ તે 'ભારત વિરોધી અને ઇઝરાયલ વિરોધી જેહાદી જૂથો'ને મજબૂત બનાવશે અને સમગ્ર દક્ષિણ એશિયા સહિત વૈશ્વિક સ્થિરતાને પણ જોખમમાં મૂકશે. આ ફક્ત બલૂચ લોકોના અધિકારોનો મામલો નથી, પરંતુ વૈશ્વિક સુરક્ષાનો પણ પ્રશ્ન છે. બલૂચિસ્તાન વેચાઈ જાય તેવું નથી. જ્યાં સુધી બલૂચ લોકોની સ્પષ્ટ સંમતિ લેવામાં ન આવે ત્યાં સુધી અમે પાકિસ્તાન, ચીન અથવા અન્ય કોઈ વિદેશી શક્તિને અમારા સંસાધનોનો દુરુપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં. અમારા સાર્વભૌમ અધિકારો અમૂલ્ય છે અને સ્વતંત્રતા માટેની અમારી લડાઈ ગૌરવ અને દૃઢ નિશ્ચય સાથે ચાલુ રહે છે.'