હાફિઝ સઇદનાં સાથી આતંકવાદી મૌલાના મુજીબ-ઉર-રહમાન જમુરાનીની હત્યા
કરાચી, 3 જુલાઇ 2020 શુક્રવાર
પાકિસ્તાનના કરાચીમાં ગુરૂવારે ખૂનખાર આતંકવાદી અને 2008માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સાથીની કથિત રીતે હત્યા કરી દેવાઈ છે. આ અંગે શુક્રવારે મીડિયા રિપોર્ટસ દ્વારા જાણકારી સામે આવી છે.
આતંકવાદી મૌલાના મુજીબ-ઉર-રહમાન જમુરાની બલુચિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના જ જમાત-ઉદ-દાવા માટે કામ કરતો હતો અને ઘણા બલૂચોની હત્યામાં સામેલ હતો.ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં થતા હુમલા માટે આતંકવાદીઓને તાલીમ આપવાના કેસમાં પણ તેનું નામ હતું.
મીડિયા રિપોર્ટ મુજબ, હાફિઝ સઈદનો જમણો હાથ મનાતા જમુરાની પર કરાચીમાં અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગુરુવારે તેનું મોત થઈ ગયું. તેને આંતરાષ્ટ્રીય સ્તરે પણ આતંકવાદી તરીકે ઓળખવામાં આવતો હતો.
તે બલુચિસ્તાનના મકરાન ક્ષેત્રમાં લશ્કર-એ-તૈયબાનો વડો હતો. તેના તાર ઈસ્લામિક સ્ટેટ સાથે પણ જોડાયેલા હોવાનું કહેવાય છે. આરોપ છે કે તે ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં હુમલા માટે પણ આતંકવાદીઓને ટ્રેનિંગ આપતો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની એક કોર્ટે આતંકવાદને થતી ફંડિગનાં કેસમાં મંગળવારે જમાત ઉદ દાવા (જેયુડી)ના ચાર ટોચના નેતાઓ સામે આરોપ નક્કી કર્યા હતા. આ આરોપી સઈદની નજીકના છે.
પંજાબ પોલીસના એન્ટી ટેરરિસ્ટ વિભાગે 70 વર્ષના સઈદ અને તેના સાથીઓ વિરુદ્ધ રાજ્યનાંના વિવિધ શહેરોમાં આતંકવાદને નાણાકીય સહાય આપવાના આરોપમાં 23 ફરિયાદ નોંધી હતી.