Get The App

ઈંગ્લેન્ડમાં પુરાતત્વવિદોને અગ્નિની શોધના લાખો વર્ષ જૂના પુરાવા મળ્યા

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
ઈંગ્લેન્ડમાં પુરાતત્વવિદોને અગ્નિની શોધના લાખો વર્ષ જૂના પુરાવા  મળ્યા 1 - image


- બર્નહામ સાઈટની રિસર્ચ નેચર જર્નલમાં પ્રકાશિત 

- માણસે આગ પ્રગટાવી હોય તેની સાબિતી રૂપ માટીના ચુલ્હા, ગરમીથી તૂટેલા કુહાડા અને બે ચકમક પથ્થરો મળ્યા 

લંડન : અગ્નિની શોધ માનવજાતની પહેલી મહાન શોધમાંની એક હતી. પુરાતત્વવિદ જે.એ.જે. ગોવલેટે અગ્નિની શોધની રૂપરેખા આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, કુદરતી ઘટના જેવી કે, વીજળી ત્રાટકવી અને ઉલ્કાના અથડામણ બાદ અગ્નિનો તકવાદી ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી, તેના ઈરાદાપૂર્વક ઉપયોગ વિશે કોઈ જાણકારી નહોતી. ઈંગ્લેન્ડના સફોલ્કના બર્નહામ વિસ્તારમાં પુરાતત્વવિદોને માણસો દ્વારા ઈરાદાપૂર્વક આગના ઉપયોગના પૂરાવા મળી આવ્યા છે. જેનાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. 

પુરાતત્વવિદોને તપાસ દરમિયાન માટીના ચુલ્હા, ગરમીથી તૂટેલા કુહાડા અને આગ લગાડવા માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે ચકમક પથ્થરના બે ટુકડા મળી આવ્યા હતા. ચકમક પથ્થર એટલે કે, પાયરાઈટ સ્થાનિક વિસ્તારમાં મળતો નથી જેથી સ્પષ્ટ થાય છે કે, પ્રાચીન માનવો તેને ખાસ આગ પ્રગટાવવા માટે એકત્ર કરીને લાવતા હતા. 

રસાયણિક વિશ્લેક્ષણમાં માટીના ઉચ્ચ તાપમાન અને વારંવાર બળતરના નિશાન મળ્યા છે. જે દર્શાવે છે કે, આગ પ્રાકૃતિક રીતે નહોતી લાગી. તેને અનેક વખત પ્રગટાવવામાં આવી હતી. આ રિસર્ચ પેપરના લેખક અને બ્રિટિશ મ્યુઝિયમના ક્યુરેટર નિક એશટને આ શોધને પોતાની ૪૦ વર્ષની કારકિર્દીની સૌથી મહત્ત્વપૂર્ણ શોધ ગણાવી હતી. 

વૈજ્ઞાાનિકો હવે બ્રિટન અને યુરોપના અન્ય પ્રાચીન સ્થળોની ટેકનીકલ તપાસ કરશે. જેથી જાણી શકાય કે, આગ બનાવવાની પ્રદ્ધતિ કેટલી વ્યાપક હતી. ઉલ્લેખનીય છે કે,  ઈઝરાયેલ, કેન્યા અને દક્ષિણ આફ્રિકાના ઘણા સ્થળોએ આગના ૮,૦૦,૦૦૦ થી ૧૦,૦૦,૦૦૦ વર્ષ જૂના પૂરાવા મળ્યા છે. પરંતુ, આગ પ્રાકૃતિક હતી કે, માણસો દ્વારા પ્રગટાવવામાં આવી હતી તે કહેવું મુશ્કેલ હતું. 

Tags :