ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા
Donald Trump Melania Divorce: તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ વચ્ચેના સંબંધોને લઈને નવી અફવાઓ સામે આવી છે. પત્રકાર અને લેખક માઇકલ વોલ્ફે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ અલગ થઈ ગયા છે. તેમણે પોતાની વાત સાબિત કરવા માટે મેલેનિયાના વ્હાઇટ હાઉસથી અંતરનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ અને મેલેનિયા વ્હાઇટ હાઉસમાં સાથે રહેતા હતા, પરંતુ બીજા કાર્યકાળ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ ઓવલ ઑફિસમાં રહેવા આવ્યા ન હતા.
માઇકલ વોલ્ફે કર્યો આ દાવો
વોલ્ફે એક પોડકાસ્ટમાં કહ્યું કે,'મેલાનિયા ટ્રમ્પ સાથે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં રહેતા હતા, પરંતુ તેમના બીજા કાર્યકાળ દરમિયાન ઓવલ ઑફિસની મુલાકાત લીધી ન હતી. તેમણે એ પણ નોંધ્યું કે મેલેનિયાએ 20 જાન્યુઆરીથી વ્હાઇટ હાઉસમાં ફક્ત બે અઠવાડિયાથી પણ ઓછો સમય વિતાવ્યો છે. આ અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અલગ જીવન જીવી રહ્યા છે.'
આ પણ વાંચોઃ ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી
આ મામલે વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા
વ્હાઇટ હાઉસના ન્યૂઝ ડિરેક્ટર સ્ટીવન ચેઉંગે વોલ્ફની ટિપ્પણીની ટીકા કરી અને તેને મૂર્ખતાપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે 'વોલ્ફના આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને તે ટ્રમ્પ અને મેલેનિયાને બદનામ કરવાનો પ્રયાસ છે.
આ પહેલા પણ વોલ્ફે ટ્રમ્પ પર કરી છે ટિપ્પણી
જણાવી દઈએ કે વોલ્ફે આ પહેલા પણ ટ્રમ્પ વિશે ઘણીવાર નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે ટ્રમ્પ પર અનેક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં વર્ષ 2018 માં 'ફાયર એન્ડ ફ્યુરી: ઇનસાઇડ ધ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ' નામનું પુસ્તક બેસ્ટ સેલર હતું.
ન્યૂયોર્ક ટાઇમ્સે પણ ઉઠાવ્યા હતા પ્રશ્ન
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાના સંબંધો પર વોલ્ફની ટિપ્પણી પહેલા ન્યૂયોર્ક ટાઇમ્સે પણ મેલેનિયાના વ્હાઇટ હાઉસમાં ન રહેવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા મેલેનિયાએ સંકેત આપ્યો હતો કે તે વ્હાઇટ હાઉસ પરત નહીં ફરે, પરંતુ તે પોતાનો મોટાભાગનો સમય ફ્લોરિડા અને ન્યુયોર્ક સિટીમાં વિતાવે છે, જ્યાં તેનો પુત્ર બેરોન યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં છે.