Get The App

કેનેડામાં હેટ ક્રાઈમની વધુ એક ઘટના, શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડ

Updated: Oct 3rd, 2022

GS TEAM

Google News
Google News
કેનેડામાં હેટ ક્રાઈમની વધુ એક ઘટના, શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડ 1 - image

- ભારતે તાજેતરમાં જ કેનેડામાં રહેતા તેના નાગરિકોની સુરક્ષા માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે

નવી દિલ્હી, તા. 03 ઓક્ટોબર 2022, સોમવાર

કેનેડાના બ્રેમ્પટનમાં તાજેતરમાં અનાવરણ કરાયેલ શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે અધિકારીઓને આ બાબતની તપાસ કરવા અને ગુનાના આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. આ પાર્ક અગાઉ ટ્રોયર્સ તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં તેનું નામ બદલીને શ્રી ભગવદ ગીતા પાર્ક રાખવામાં આવ્યું અને 28મી સપ્ટેમ્બરે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

કેનેડામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, 'ભારત બ્રેમ્પટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં દ્વેષપૂર્ણ અપરાધની નિંદા કરે છે. અમે કેનેડિયન સત્તાવાળાઓ અને પીલ પોલીસને આ બાબતની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરીએ છીએ. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પુષ્ટિ કરી કે, રવિવારે પાર્કમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કેનેડા આવા હુમલાઓને સહન કરવામાં નહીં આવે.

બ્રાઉને રવિવારે ટ્વીટ કર્યું કે, અમે જાણીએ છીએ કે, તાજેતરમાં અનાવરણ કરાયેલ શ્રી ભગવદ ગીતા પાર્ક સાઈન બોર્ડને નુકસાન થયું છે. અમે આવા કૃત્યો સહન નહીં કરીએ. અમે વધુ તપાસ માટે પીલ પ્રાદેશિક પોલીસનો સંપર્ક કર્યો છે. અમારો પાર્ક વિભાગ વહેલી તકે સાઈન બોર્ડને ઠીક કરવા માટે કામ કરી રહ્યું છે.

ભારતે તાજેતરમાં જ કેનેડામાં રહેતા તેના નાગરિકોની સુરક્ષા માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, કેનેડામાં હેટક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકો અને કેનેડા જનારા ભારતીયોને સાવધાની રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.