Get The App

અમેરિકા સામે એક થયા શિયા અને સુન્ની મુસ્લિમ દેશો? ઈરાન માટે સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
Saudi Arabia-Iran Unity


Saudi Arabia-Iran Unity: પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. વોશિંગ્ટન તરફથી ઈરાનને સતત સૈન્ય હુમલાની ધમકીઓ મળી રહી છે. જોકે, આ સંકટના સમયે ઇસ્લામિક દેશોમાંથી એક એવા સમાચાર આવ્યા છે જેણે વિશ્વના ભૂ-રાજકીય નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. વર્ષોથી એકબીજાના કટ્ટર હરીફ ગણાતા સાઉદી અરેબિયા અને ઈરાન હવે એક મંચ પર આવતા દેખાય છે.

સાઉદી અરેબિયાની ઈરાનને ખાતરી

સાઉદી અરેબિયાએ ઈરાનને સ્પષ્ટ ખાતરી આપી છે કે તે અમેરિકા કે અન્ય કોઈ પણ દેશને ઈરાન વિરુદ્ધ હુમલો કરવા માટે પોતાની જમીન કે એરસ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં. આનો અર્થ એ થયો કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરવાનું વિચારે, તો તે સાઉદીમાં આવેલા તેના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે નહીં.

સાઉદી વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 'અમે ઈરાનને સ્પષ્ટ કરી દીધું છે કે સાઉદી અરેબિયા તેની વિરુદ્ધ કોઈ પણ ગઠબંધનનો ભાગ બનશે નહીં. અમે અમારા એરસ્પેસમાંથી એવા કોઈ પણ ફાઇટર જેટને પસાર થવા દઈશું નહીં જેનું લક્ષ્ય ઈરાન પર હુમલો કરવાનું હોય.'

શા માટે આ પગલું મહત્ત્વનું છે?

શિયા-સુન્ની મતભેદોમાં ઘટાડો: ઐતિહાસિક રીતે સાઉદી અરેબિયા(સુન્ની) અને ઈરાન(શિયા) વચ્ચે ભારે વૈમનસ્ય રહ્યું છે. આ પગલું ઇસ્લામિક દેશોમાં વધી રહેલી એકતાનો સંકેત આપે છે.

અમેરિકા માટે ઝટકો: સાઉદી અરેબિયા અમેરિકાનું સૌથી નજીકનું મિત્ર રાષ્ટ્ર ગણાય છે. તેમ છતાં, ઈરાન મામલે તેણે તટસ્થ રહેવાને બદલે ઈરાનનો પક્ષ લીધો હોય તેવું જણાય છે.

પાકિસ્તાનની ચુપકીદી: એક તરફ સાઉદીએ હિંમત બતાવી છે, તો બીજી તરફ હંમેશા 'ઇસ્લામિક એકતા'ની વાતો કરતું પાકિસ્તાન હાલમાં મૌન સેવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી હજુ સુધી ઈરાનના સમર્થનમાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો: 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની પડખે હતું ઈરાન! રાજાના પુત્રની સત્તાવાપસીથી ભારતનું ટેન્શન વધશે

તણાવનું કારણ

અમેરિકાએ ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ પરની કડકાઈને ટાંકીને સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં ઈરાને પહેલેથી જ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકાના અનેક સૈન્ય મથકો છે, જેમાંના કેટલાક સાઉદી અરેબિયામાં પણ છે. હવે જ્યારે સાઉદીએ મદદનો ઇન્કાર કર્યો છે, ત્યારે અમેરિકા માટે ઈરાન વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહી કરવી મુશ્કેલ બની શકે છે.

અમેરિકા સામે એક થયા શિયા અને સુન્ની મુસ્લિમ દેશો? ઈરાન માટે સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય 2 - image