અમેરિકામાં સપ્તાહમાં બીજા ગુનેગારને મૃત્યુદંડ અપાયો
- ગુનેગારે મૃત્યુ વખતે પીડિત પરિવારની માફી માગી
- 1998માં 16 વર્ષની કિશોરીનું અપહરણ કર્યા પછી હત્યા નિપજાવનારા વેસ્લીને ઝેરી ઈન્જેક્શન અપાયું
વૉશિંગ્ટન, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર
અમેરિકામાં એક જ સપ્તાહમાં બે ગુનેગારોની મોતની સજાનો અમલ થયો હતો. વેસ્લી નામના 68 વર્ષના ગુનેગારે 1998માં 16 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું અને એ પછી તેની હત્યા કરી નાખી હતી.
અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ત્રણ દિવસમાં જ બે ગુનેગારોને મોતની સજા આપવામાં આવી હતી. ટેરી હોઉટમાં વેસ્લી ઈરા પર્કી નામના ગુનેગારને પ્રાણઘાતક ઈન્જેક્શન આપીને મોતની સજાનો અમલ કરાયો હતો.
તેના વકીલે છેલ્લી ઘડી સુધી વેસ્લીની મોતની સજા અટકે તે માટે પ્રયાસો કર્યા હતા.વકીલે દલીલ કરી હતી કે તેણે 20 વર્ષમાં જેલમાં કાઢી નાખ્યા હોવાથી તેની સજા આજીવન કારાવાસમાં બદલવી જોઈએ. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે જેલમાં રહીને વેસ્લી માનસિક બીમાર થઈ ગયો હતો, તેને સજા આપવી કાયદાની વિરૂદ્ધમાં છે.
તેમ છતાં જેલ ઓથોરિટીએ સરકારની પરવાનગી મેળવીને વેસ્લીને પ્રાણઘાતક ઈન્જેક્શન આપ્યું હતું. મોતની એક ક્ષણ પહેલાં વેસ્લીએ પીડિત પરિવારના સભ્યોની માફી માગી હતી અને એ ગુના માટે આજીવન દુ:ખ હોવાનું પણ જણાવ્યું હતું.
ગુનેગાર વેસ્લીએ તેની દીકરીને સંબોધીને પણ એક મેસેજ મૂક્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે મારી હરકતથી દીકરીને ઊંડો આઘાત લાગ્યો હતો. તેની માફી માગું છું. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરૂં છું. આખરી નિવેદન આપી દીધા પછી તેની મોતની સજાનો અમલ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં જ ઈન્ડિયાના ટેરી હોઉટમાં જ એક ગુનેગારને મોતની સજા અપાઈ હતી. 1997માં એક જ પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરનારા ગુનેગાર ડેનિયલ લીને મોતની સજાનો અમલ આ સપ્તાહમાં જ કરાયો હતો. અમેરિકામાં 20 વર્ષ પછી સતત બે ગુનેગારને મોતની સજા આપી હતી.