Get The App

'અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં...' CTIની સરકાર સમક્ષ માગ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
'અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં...' CTIની સરકાર સમક્ષ માગ 1 - image


Trump Tariff Effects: ભારત પર આજથી ટ્રમ્પનો કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. જેનાથી મોટાભાગના સેક્ટર્સની નિકાસ પર માઠી અસર થવાની છે. લાખો નોકરીઓ છીનવાઈ જવાનું સંકટ છે. ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા દેશના ઉદ્યોગ સંગઠન ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)એ જવાબી ટેરિફ લાદવાની માગ કરી છે.

10 લાખ રોજગારી છીનવાઈ જવાનું સંકટ

CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે સરકારને ભલામણ કરી હતી કે, ટ્રમ્પના 50 ટકા ટેરિફના કારણે ટેક્સટાઇલ, ચામડું, જેમ્સ-જ્વેલરી, ઓટો કમ્પોનન્ટ, કેમિકલ, સીફૂડ, ઈલેક્ટ્રોનિક્સ સહિતના તમામ સેક્ટર્સ પર પ્રતિકૂળ અસરો થવાની છે. જેની સાથે જોડાયેલા 10 લાખ લોકોની રોજગારી પર સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકામાં ભારતીય સામાન 35 ટકા સુધી મોંઘો થશે. જેથી ત્યાંના ખરીદદારો અન્ય દેશોની પ્રોડક્ટસને પ્રાધાન્ય આપશે. અમેરિકાનું આ પગલું ભારતની 48 અબજ ડૉલરથી વધુ નિકાસને પ્રભાવિત કરશે.

ટેરિફથી નિકાસમાં ઘટાડો

CTIના મહાસચિવ રાહુલ અદલખા અને રાજેશ ખન્નાએ જણાવ્યું હતું કે, 1 ઑગસ્ટના રોજ 25 ટકા અને 27 ઑગસ્ટના રોજ વધારાનો 25 ટકા ટેરિફ લાગુ થતાં વેપાર વર્ગમાં મૂંઝવણ ઊભી થઈ છે. જે અમેરિકન કંપનીઓ પહેલાંથી જ ઑર્ડર આપી ચૂકી છે, તેમનો માલ-સામાન રસ્તામાં છે, તે પહોંચવામાં સમય લાગશે. જેથી તેના પર ટેરિફ લાગુ થશે કે કેમ તેની મૂંઝવણ છે. ટેરિફ લાગુ થયા બાદ નિકાસ ઘટવાની ભીતિ છે. 2024માં અમેરિકાને 1.7 લાખ કરોડના એન્જિનિયરિંગ ગુડ્સ મોકલ્યા હતા. જેમાં સ્ટીલ પ્રોડક્ટ્સ, મશીનરી અને ઓટો પાર્ટ્સ સામેલ છે. તેના પર 10 ટકા ટેરિફ લાગુ હતો, હવે 50 ટકા ટેરિફના કારણે તેની કિંમત વધી છે. જેથી નિકાસમાં 20-25 ટકાનો ઘટાડો નોંધાશે.

ગતવર્ષે અમેરિકામાં રૂ. 90,000 કરોડની જેમ્સ એન્ડ જ્વેલરી અને 1.25 લાખ કરોડના ઈલેક્ટ્રોનિક ગુડ્સ નિકાસ થયા હતા. હવે તેમાં ઘટાડો નોંધાશે. નિકાસ પર નિર્ભર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ અસર થશે.

અમેરિકાને બોધપાઠ આપવો જરૂરી

ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલે આ સંકટનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે કે, અમેરિકાની દાદાગીરી અને ધમકીઓનો જવાબ આપવો જરૂરી છે. તેને બોધપાઠ ભણાવવો જરૂરી છે. સરકારે અમેરિકા પર જવાબી ટેરિફ લાગુ કરવો જોઈએ. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. વધુમાં જર્મની, બ્રિટન, સિંગાપોર, મલેશિયા જેવા દેશોમાં એન્જિનિયરિંગ ગુડ્સની વધતી માગને ધ્યાનમાં લેતાં ત્યાં નિકાસ નીતિઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

'અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં...' CTIની સરકાર સમક્ષ માગ 2 - image

Tags :