ભારત-ચીન તંગદીલી, અમેરિકાનાં લોકો કોના સમર્થનમાં, સર્વેમાં થયો ખુલાસો
વોશિંગ્ટન, 31 જુલાઇ 2020 શુક્રવાર
ભારત અને ચીન વચ્ચે હાલમાં તણાવ ચાલી રહ્યો છે. જોકે, ચીન સાથેના તણાવમાં અમેરિકાએ ભારતનો પક્ષ લીધો છે અને ભારતે ચીનને જે રીતે લડત આપી છે તેની પ્રશંસા કરી છે. આમ અમેરિકા ભારતના પક્ષે છે પરંતુ અમેરિકાની જનતા કોના પક્ષે છે?
ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો બંને દેશો વચ્ચે સૈન્ય કે વેપાર યુદ્ધ થાય છે તો અમેરિકાએ કોનું સમર્થન કરવું જોઈએ? આને લઈને કરવામાં આવેલા સર્વેના આંકડામાં ઘણી આશ્ચર્યજનક વાતો સામે આવી છે.
ઓસ્ટ્રેલિયન થિંકટેંક લોવી ઈન્સ્ટિટ્યુટે 7 જૂલાઈ 2020ના રોજ 1,012 અમેરિકન લોકો વચ્ચે એક વેબ સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં અમેરિકન લોકોને બે સવાલ પૂછવામાં આવ્યા હતા.
પ્રથમ સવાલઃ જો ભારત અને ચીનમાં સૈન્ય યુદ્ધ થસે તો તમે કયા દેશનું સમર્થન કરશો?
1- અમેરિકાના સમર્થક ભારતનું
2- ચીનનું
3- કોઈ પણ દેશનું નહીં
બીજો સવાલઃ ભારત અને ચીનમાં આર્થિક સંઘર્ષ થશે તો તમે કયા દેશનું સમર્થન કરશો?
1- અમેરિકાના સમર્થક ભારતનું
2- ચીનનું
3- કોઈ પણ દેશનું નહીં
ઓસ્ટ્રેલિયન થિંકટેંકના પરિણામો પ્રમાણે પ્રથમ સવાલન જવાબમાં 63.6 ટકા અમેરિકનોએ કહ્યું હતું કે તેઓ કોઈ પણ દેશનું સમર્થન કરશે નહીં. જ્યારે 32.6 ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ યુદ્ધની સ્થિતિમાં ભારતનું સમર્થન કરશે જ્યારે 3.8 ટકા લોકોએ કહ્યું કે તેઓ ચીનનું સમર્થન કરશે.
બંને દેશો વચ્ચે આર્થિક સંઘર્ષની પરિસ્થિતિમાં 60.6 ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ કોઈ પણ દેશનું સમર્થન કરશે નહીં. જ્યારે 36.3 ટકા લોકોએ કહ્યું કે તેઓ ભારતનું સમર્થન કરશે. જ્યારે ફક્ત 3.1 ટકા લોકોએ ચીનનું સમર્થન કરવાનું કહ્યું હતું.