અમેરિકા પાસે હથિયારો ખૂટ્યાં? યુક્રેન-ઈઝરાયલ જેવા યુદ્ધગ્રસ્ત દેશોને સપ્લાય અટકાવ્યો
Representative image |
America Weapons Stock: યુક્રેન અને ઈઝરાયલની યુદ્ધમાં મદદ કરનારા અમેરિકા પાસે હથિયારો ખૂટ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આ કારણે અમેરિકાએ હાલ માટે યુક્રેનને હથિયારોની સપ્લાય પર બ્રેક લગાવી છે. અમેરિકાના ભંડારમાં ઘણાં જરૂરી હથિયારનો સ્ટોક ઘટી ગયો છે, જેમાં એન્ટિ-એર મિસાઇલોનો પણ સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એના કેલીના જણાવ્યાનુસાર, 'આ નિર્ણય અમેરિકાની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમારી સેનાની તાકાત હજુ પણ અટલ છે.'
યુક્રેનમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક
અહેવાલો અનુસાર, અમેરિકાના સ્ટોકમાં જે હથિયારો અભાવ છે તેમાં લાંબા અંતરની મિસાઇલો, 155 મીમી આર્ટિલરી શેલ અને એન્ટિ-એર મિસાઇલોનો સમાવેશ થાય છે. રશિયાના હવાઈ હુમલાઓથી રક્ષણ માટે અમેરિકાએ યુક્રેનને આ હથિયારની મોટા પાયે નિકાસ કરી હતી. હવે અમેરિકા પોતે આ હથિયારોની અછત જોઈ રહ્યું છે, તેથી સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'યુક્રેનના સંરક્ષણ માટે મિસાઇલોની નિકાસ કરવામાં આવશે.' પેટ્રિઅટ મિસાઇલો મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે અમેરિકામાં જ તેમની અછત જોવા મળી છે.
બીજી તરફ યુક્રેનમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ છે. યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું, 'અમે અમેરિકા સાથે દરેક સ્તરે વાત કરી રહ્યા છીએ, કારણ કે અમને હવાઈ સંરક્ષણની સખત જરૂર છે.'
યુક્રેનને બીજો ઝટકો
અહેવાલો અનુસાર, અમેરિકાએ હથિયારોની સપ્લાય બંધ કરી દીધી છે, તો બીજી તરફ યુક્રેનને પણ બીજો ઝટકો લાગ્યો છે. ઉત્તર કોરિયા હવે રશિયામાં 30,000 વધુ સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સંખ્યા ગયા વર્ષે મોકલવામાં આવેલા સૈનિકો કરતા ત્રણ ગણી વધારે છે. ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેનના કબજા હેઠળના વિસ્તારોમાં મોટા હુમલાઓમાં ભાગ લેશે.