વેનેઝુએલા સાથે યુદ્ધ કરશે અમેરિકા? વધુ એક યુદ્ધપોત અને મિસાઇલો તૈનાત કરતાં તણાવ વધ્યો

| (IMAGE - Wikipedia) |
America Warship Docks Near Venezuela: વેનેઝુએલા અને તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર સૈન્ય દબાણ વધારવા માટે અમેરિકાએ ત્રિનિદાદ અને ટોબેગોમાં મિસાઇલ વિનાશક યુએસએસ ગ્રેવલી યુદ્ધજહાજ તૈનાત કર્યું છે. આ ઉપરાંત, એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ પણ વેનેઝુએલા તરફ આગળ વધી રહ્યું છે. માદુરોએ આને પોતાના દેશ વિરુદ્ધ નવું યુદ્ધ છેડવાનો અમેરિકી સરકારનો પ્રયાસ ગણાવી ટીકા કરી છે. નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુરાવા વિના માદુરો પર સંગઠિત અપરાધ ગેંગ 'ટ્રેન દે અરાગુઆ'ના નેતા હોવાનો આરોપ લગાવ્યો છે.
ત્રિનિદાદ અને ટોબેગોના PM એ શું કહ્યું?
ત્રિનિદાદ અને ટોબેગોના અધિકારીઓ તેમજ અમેરિકાએ જણાવ્યું છે કે વિશાળ યુદ્ધજહાજ ગુરુવાર સુધી ત્રિનિદાદ અને ટોબેગોમાં અભ્યાસ માટે રહેશે. વરિષ્ઠ સૈન્ય અધિકારીએ યુદ્ધજહાજ મોકલવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો હોવાનું જણાવ્યું. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પરસાદ-બિસેસર વેનેઝુએલાના જળ ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય હાજરી અને શંકાસ્પદ માદક દ્રવ્યોની તસ્કરી કરતી નૌકાઓ પર ઘાતક હુમલાઓ કરવાના પ્રબળ સમર્થક માનવામાં આવે છે.
વિવાદનું કારણ: ડ્રગ તસ્કરીનું કેન્દ્ર ગણાવ્યું
કેરેબિયન સાગરમાં અમેરિકી સેનાની તૈનાતી અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટી-નાર્કોટિક્સ મિશન છે. ટ્રમ્પ સરકારે વેનેઝુએલાની નિકોલસ માદુરોના નેતૃત્વવાળી સરકાર પર નશાના તસ્કરોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. ડ્રગ તસ્કરીનું કેન્દ્ર ગણીને ટ્રમ્પ સરકારે બીજા કાર્યકાળની શરુઆતમાં જ વેનેઝુએલાને 'નાર્કો-ટેરર કાર્ટેલ' જાહેર કર્યું, જેનાથી વિવાદ વધ્યો. આ ઉપરાંત, અમેરિકાએ 'ટ્રેન દે અરાગુઆ' ગેંગને 'વિદેશી આતંકવાદી સંગઠન' (FTO) પણ જાહેર કરી છે.
ચૂંટણીમાં માદુરોની જીતને ગણાવવામાં આવી ધાંધલી
નોંધનીય છે કે, જુલાઈ 2024માં વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી, જેમાં નિકોલસ માદુરોએ પોતાની જીતની જાહેરાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ માદુરોની જીતને ધાંધલી ગણાવી અને વિપક્ષી નેતા એડમુંડો ગોન્ઝાલેઝને ચૂંટણીના વિજેતા કહ્યા. આ પછી, જાન્યુઆરી 2025માં જ્યારે માદુરો સરકારનો ત્રીજો કાર્યકાળ શરુ થયો, તો અમેરિકાએ વેનેઝુએલા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા. ત્યારબાદ વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો, ત્યારે વેનેઝુએલાની માદુરો સરકારે તાનાશાહી વલણ અપનાવીને નોર્વેમાં દૂતાવાસ બંધ કરી દીધું.

