'અમેરિકાની વિચારધારાનો અંત જરૂરી...' પોલીસ ફાયરિંગમાં જીવ ગુમાવેલા ભારતીય એન્જિનિયરની પોસ્ટ વાઈરલ
Indian Student Died In US: અમેરિકામાં એક ભારતીય એન્જિનિયર મોહમ્મદ નિઝામુદ્દીનનું મૃત્યુ થઈ ગયુ છે. પોતાના રૂમમેટ સાથે ઝઘડા બાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. 3 સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. નિઝામુદ્દીને ફાયરિંગની ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલા જ વંશીય ઉત્પીડન અંગે પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે, 'વંશીય ભેદભાવના કારણે જ મારા પગારમાં છેતરપિંડી કરવામાં આવી આવતી હતી અને પછી મને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો.'
વંશીય તિરસ્કારનો શિકાર છું
તેણે લિંક્ડઈન પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, હું વંશીય તિરસ્કારનો શિકાર છું. મારી સાથે અન્યાય કરવામાં આવ્યો અને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હું અન્યાય સામે અવાજ ઉઠાવવા માગુ છું. આ અમેરિકન અને શ્વેત લોકોની વિચારધારાનો અંત આવવો જરૂરી છે. કોર્પોરેટમાં પણ આ પ્રકારના અત્યાચાર પર લગામ લગાવવી જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ.'
મારા ખોરાકમાં ઝેર ભેળવી દીધું
તેણે પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે, મને નોકરીમાંથી કાઢી મૂકવા પર જ વાત પૂરી નથી થતી. તેમણે મારી પાછળ જાસૂસો લગાવ્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમણે મારા ખોરાકમાં ઝેર પણ ભેળવી દીધું છે, અને હવે મને રહેવા માટે જગ્યા પણ નથી મળી રહી. આ લોકોઅ મને મારા રૂમમાંથી પણ કાઢી મૂક્યો છે. આજે મારી સાથે આવું થઈ રહ્યું છે, કાલે કોઈક બીજા સાથે પણ આવું થઈ શકે છે. હું જાણું છું કે હું કોઈ સંત નથી, પણ તેઓ એટલું જાણી લે કે તેઓ પણ ભગવાન નથી. હું આગળની વાત બીજી પોસ્ટમાં કરીશ.
આ પણ વાંચો: અમેરિકાની પોલીસે ગોળી મારી દેતાં ભારતીય એન્જિનિયરનું મોત, વંશભેદની કરી હતી ફરિયાદ
પોલીસે શું જણાવ્યું?
સાન્ટા ક્લેરા પોલીસે જણાવ્યું કે, અમને 911 પર ફોન કરીને છરાબાજીની ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે નિઝામુદ્દીનના હાથમાં છરી હતી. તેને છરી ફેંકી દેવાનું કહ્યું પરંતુ તે ન માન્યો ત્યારે તેના પર ગોળી ચલાવી દેવામાં આવી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરીથી હુમલો કર્યો હતો. પરિવારનો દાવો છે કે ગોળી મારતા પહેલા નિઝામુદ્દીને પોતે જ પોલીસને મદદ માટે બોલાવી હતી.
તમને જણાવી દઈએ કે, નિઝામુદ્દીને ફ્લોરિડા કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું. ત્યારબાદ તે ગુગલ સાથે જોડાયેલી એક કંપનીમાં કામ કરતો હતો. નિઝામુદ્દીનના પરિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરને તેના પાર્થિવ શરીરને ભારત પરત લાવવા અને સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરવા વિનંતી કરી છે.