US Court Birthright Citizenship Case : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાના ઈરાદાને મોટો ઝટકો લાગ્યો છે. બોસ્ટનની સંઘીય અપીલ કોર્ટે શુક્રવારે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન દેશમાં ગેરકાયદે અથવા અસ્થાયી રૂપે રહેતા લોકોના જન્મેલા બાળકોની નાગરિકતા છીનવી શકે નહીં. કોર્ટે રાષ્ટ્રપતિના આદેશને અટકાવવાના અગાઉના આદેશને યથાવત્ રાખ્યો છે.
‘અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ વ્યક્તિ અમેરિકી નાગરિક ગણાય’
પ્રથમ અમેરિકી સર્કિટ અપીલ ન્યાયાલયની ત્રણ ન્યાયાધીશોની પેનલે આ ચુકાદો આપ્યો છે. અમેરિકી સર્કિટ જજ ડેવિડ બેરોને કહ્યું કે, ‘ટ્રમ્પનો આદેશ અમેરિકી બંધારણના 14મા સંશોધનનું ઉલ્લંઘન કરે છે, તે સંશોધન મુજબ, અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ વ્યક્તિ અમેરિકી નાગરિક ગણાય છે.
ટ્રમ્પનો આદેશ શું હતો?
ટ્રમ્પે જાન્યુઆરીમાં રાષ્ટ્રપ્રમુખ પદની શપથ લેવાના દિવસે જ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમના આદેશ મુજબ, અમેરિકામાં ગેરકાયદે કે અસ્થાયી રૂપે રહેતા લોકોના જન્મેલા બાળકોને જે આપોઆપ નાગરિકતા મળતી હતી, તે અધિકારને અટકાવવાનો હતો. ટ્રમ્પે આદેશ દ્વારા દેશમાં ગેરકાયદે ઈમિગ્રેશન પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : VIDEO : યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ભીષણ હુમલો, ટ્રેનના ફૂરચાં ઊડ્યાં; 30ના મોત
આદેશથી કેલિફોર્નિયાના એટર્ની જનરલ ખુશ
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કેલિફોર્નિયા તે 20 રાજ્યોમાંનું એક છે, જેમણે ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. બોન્ટાએ કહ્યું કે, ‘પ્રથમ અમેરિકી સર્કિટ અપીલ ન્યાયાલયના ચુકાદોનું સ્વાગત છે. અમે પહેલેથી જ જાણતા હતા કે, ટ્રમ્પનો આદેશ ખોટો છે. ટ્રમ્પનો આદેશ જન્મજાત નાગરિકતા પર એક હુમલો અને બંધારણના 14મા સંશોધનનું ઘોર ઉલ્લંઘન હતું.’
વ્હાઇટ હાઉસ સુપ્રીમ કોર્ટમાં જશે
વિપક્ષી નેતાઓએ પણ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે, જ્યારે વ્હાઈટ હાઉસની પ્રવક્તા એબિગેલ જેક્સને નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘કોર્ટે 14મા સંશોધનની ખોટી વ્યાખ્યા કરી છે. અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળવાની આશા છે.’
આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાનને ઝટકો? અમેરિકાની અપીલ બાદ પણ ઈઝરાયલનો હુમલો, 6ના મોત


