VIDEO: અમેરિકામાં મિશિગનના ચર્ચમાં આડેધડ ગોળીબાર બાદ આગ, 1 મોત, 9ને ઈજા
America Shooting In Michigan Church : અમેરિકાના મિશિગન રાજ્યમાં આજે (28 સપ્ટેમ્બર) એક ચર્ચમાં આડેધડ ગોળીબારની ઘટના બન્યા બાદ આગ લાગી છે. પોલીસે કહ્યું કે, હુમલામાં એક વ્યક્તિનું મોત અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો છે.
હુમલાખોરને ઠાર કરાયો
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના ગ્રાન્ડ બ્લેન્કમાં ધ ચર્ચ ઓફ જિસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સમાં બની હતી. પોલીસ પ્રમુખ વિલિયમ રેનીએ કહ્યું કે, ‘ચર્ચમાં ફાયરિંગ થયા બાદ બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. પોલીસને રવિવારે સવારે 11.00 કલાકે ફાયરિંગનો ફોન આવ્યા બાદ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લગભગ 11.25 કલાકે હુમલાખોરને ઠાર કરી દીધો હતો. હવે લોકોને કોઈ ખતરો નથી.
અધિકારીઓએ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે હાલ કોઈ માહિતી આપી નથી. ચર્ચ એક મોટા પાર્કિંગ લૉટ અને લૉનમાં આવેલું છે. આ ઉપરાંત ચર્ચની પાસે રહેણાંક વિસ્તાર અને જેહોવા વિટનેસ નામનું એક ચર્ચ પણ છે. આ વિસ્તારમાં લગભગ 8000 લોકો રહે છે. ઘટના બાદ મિશિગનના ગર્વનર ગ્રેટચેન વ્હિટમરે કહ્યું કે, ‘આ ઘટનાને લઈને મને ખૂબ દુઃખ થયું છે. કોઈપણ પ્રકારની અને ખાસ કરીને ધાર્મિક સ્થળ પર હિંસા અસ્વિકાર્ય છે.’
વરિષ્ઠ પ્રમુખના નિધન બાદ બની ફાયરિંગની ઘટના
ઉલ્લેખનીય છે કે, 27 સપ્ટેમ્બરે રાત્રે ચર્ચ ઓફ જિસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સના સૌથી વરિષ્ઠ પ્રમુખ રસેલ એમ. નેલ્સનનું 101 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ફાયરિંગની ઘટના બની છે. હવે ડલિન એચ. ઓક્સન અધ્યક્ષ બનવાની સંભાવના છે.