કોરોનાવાયરસ સામે સુપર પાવર અમેરિકા લાચાર, ઇટાલીથી પણ વધુ લગભગ 20 હજારનાં મોત
ન્યૂયોર્ક, 11 એપ્રિલ 2020 શનિવાર
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાતો અમેરિકા કદાચ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સુપર પાવર અમેરિકા કોરોના વાયરસનો સૌથી મોટો શિકાર બન્યો છે.
પહેલાથી જ વિશ્વનમાં સૌથી વધું COVID-19નાં ચેપને સહન કરી રહેલું અમેરિકા હવે તેનો ગઢ બનતું જોવા મળી રહ્યું છે. શનિવારે અહીં કુલ મોતની સંખ્યા પણ સૌથી વધુ થઇ હતી. ઇટાલીને પાછળ રાખીને અમેરિકામાં કુલ 19,666 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
કોરોના પ્રત્યે શરૂઆતમાં ઢીલુ વલણ રાખવાનાં કારણે ટીકાનો સામનો કરી રહેલા અમેરિકામાં કુલ ચેપની સંખ્યા પણ 5,06,008 ને વટાવી ગઈ છે, આ સંખ્યા બીજા ક્રમનાં સ્પેન (1,61,852) કરતા ત્રણ ગણી વધું છે.
કોરોનાએ અમેરિકાને કેવી રીતે ઘૂંટણએ પાડ્યું છે તેનો અંદાજ શનિવારે ત્યારે કરવામાં આવ્યો જ્યારે અહીં થયેલા કુલ મૃત્યુના આંકડા ઇટાલી કરતા વધી ગયા (18,849). ઇટાલીમાં ચેપની કુલ સંખ્યા 1,47,577 રહી છે. ત્યાં જ વિશ્વભરમાં ચેપના કુલ 17,27,602 કેસ નોંધાયા છે અને 1,05,728 લોકો મૃત્યુ પામ્યા છે.
અમેરિકામાં સૌથી ખરાબ સ્થિતિ ન્યૂયોર્કની છે જ્યાં 8,627 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં ગવર્નર એન્ડ્ર્યુ કાઓમોએ જાહેરાત કરી છે કે આ વર્ષે તમામ શાળાઓ બંધ રહેશે.
જો કે, એન્ડ્રુએ પણ આશા વ્યક્ત કરી છે કે ચેપ ચરમસીમાએ પહોંચ્યા પછી ટૂંક સમયમાં ઘટાડો શરૂ થશે. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિગને અનુસરવા કહ્યું છે.