યુક્રેનની વહારે આવ્યા ટ્રમ્પ, પુતિનને ધમકી આપી કહ્યું, ‘50 દિવસમાં યુદ્ધ બંધ કરો નહીં તો...’
America-Russia Controversy : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ‘જો રશિયા 50 દિવસમાં યુદ્ધ નહીં અટકાવે તો તેના પર ભારેભરખમ ટેરિફ ઝિંકવામાં આવશે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે, યુદ્ધ બંધ થાય. રશિયાએ યુદ્ધ બંધ કરીને વેપાર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. વાસ્તવમાં NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથે ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રશિયાને ધમકી આપી છે.
રશિયાને 100 ટકા ટેરિફની ચેતવણી
ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટતા આપતા વ્હાઈટ હાઉસે કહ્યું કે, તેમણે રશિયાને 100 ટેરિફની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ‘જો રશિયા મારી વાત નહીં સાંભળે તો તેને વિશ્વમાંથી અલગથલગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રશિયાના આર્થિક ભાગીદારો પર પણ વધારાનો ટેક્સ ઝિંકવામાં આવશે.’ આ સાથે ટ્રમ્પે યુક્રેન માટે મોટી રાહતની વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘યુરોપમાં મજબૂત રહેવું જરૂરી છે. આવી સ્થિતિમાં જો યુરોપીય દેશો અમેરિકા પાસેથી લશ્કરી સાધનો ખરીદે અને તે યુક્રેનને ટ્રાન્સફર કરે, તો તેમાં અમને કોઈ વાંધો નથી.’
અમેરિકા યુક્રેનને પેટ્રિયટ મિસાઈલ આપશે
ટ્રમ્પના વિશેષ રાજદૂત રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કીથ કેલૉગે સોમવારે કીવ પહોંચીને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે પુષ્ટી કરી છે કે, ‘યુક્રેનને રશિયાના હુમલાથી બચાવવા માટે અમેરિકા કીવને પેટ્રિઅટ એર ડિફેન્સ મિસાઇલો મોકલી રહ્યું છે, જેની તેમને ખૂબ જરૂર છે.’ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘મેં કેલૉગ સાથે યુક્રેનની સંરક્ષણ સિસ્ટમ મજબૂત કરવા, સંયુક્ત હથિયાર ઉત્પાદન કરવા, યુરોપીયન દેશોની મદદથી અમેરિકન હથિયારો ખરીદવા અને રશિયા પર કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની સંભાવના અંગે મહત્ત્વની વાતચીત કરી છે.’