અમેરિકા ફરી લોહિયાળ ખેલ, અંધાધૂંધ ફાયરિંગમાં હુમલાખોર સહિત 3 ના મોત, ત્રણ પોલીસકર્મી ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Shooting News : અમેરિકામાં ગન વાયલન્સ (બંદૂક હિંસા) ની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે (2 સપ્ટેમ્બર) સાંજે મિનિયાપોલિસ શહેરની એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ભયાનક ઘટનામાં હુમલાખોર સહિત કુલ 3 લોકોના મોત થયા છે, જ્યારે ઘટનાસ્થળે પહોંચેલા 3 પોલીસ અધિકારીઓ ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
ઝડપી પોલીસ એક્શન અને ફાયરિંગ
મિનિયાપોલિસ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 4:30 વાગ્યાની આસપાસ 911 પર બિલ્ડિંગમાં ગોળીબાર અંગે ઈમરજન્સી કોલ આવ્યો હતો. કોલ મળ્યાના માત્ર 3 જ મિનિટમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ જ્યારે બિલ્ડિંગમાં દાખલ થયા ત્યારે તેમને ઘાયલ થયેલા લોકો મળ્યા હતા અને ઉપરના માળેથી ફરીથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો હતો.
ધુમાડા વચ્ચે ભયાનક દ્રશ્યો
પોલીસ જવાનો જ્યારે અવાજની દિશામાં ઉપરના માળે પહોંચ્યા ત્યારે ત્યાં ધુમાડા જેવું વાતાવરણ હતું, જેના કારણે કાંઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. ત્યાં બે લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. શકમંદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
3 પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દાખલ
આ બચાવ કામગીરી દરમિયાન હુમલાખોરના ગોળીબારમાં 3 પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. એક પોલીસકર્મીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક અધિકારીની સર્જરી કરવી પડી છે. હેન્નેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, ત્રણેય ઘાયલ પોલીસ અધિકારીઓની હાલત હાલ સ્થિર છે અને તેઓ ખતરા બહાર છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતી
બિલ્ડિંગ બહાર બેઠેલા જુલિયસ બેલી નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે અચાનક 8 જેટલી ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળ્યો હતો અને એક મહિલાની ચીસો સંભળાઈ હતી. તેમણે એક રહેવાસીને હાથમાં પિસ્તોલ લઈને ફરતો જોયો હતો. ચશ્મદીદના કહેવા પ્રમાણે, આ શખ્સ પહેલાથી જ બધાની સામે બંદૂક બતાવવા માટે જાણીતો હતો અને તેના કારણે જ જૂન મહિનાથી લોકો તેનાથી અંતર જાળવીને રહેતા હતા.




