Get The App

અમેરિકામાં આવી ભૂલ ના કરતાં, ગ્રીન કાર્ડ માટે ઈન્ટરવ્યૂ આપવા ગયા અને ધરપકડ કરી લેવાઈ!

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
America green card interview

America Green Card Interview : અમેરિકામાં કાયમી રહેઠાણની મંજૂરી આપતાં ‘ગ્રીન કાર્ડ’ મેળવવા માટેની પ્રક્રિયામાં હવે એક નવું જોખમ ઊભું થયું છે. લોકો બહુ ઉત્સાહથી બહેતર ભવિષ્યની આશામાં ગ્રીન કાર્ડ માટે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય છે, પરંતુ હાલમાં આ ઇન્ટરવ્યૂ આપવા જનારા લોકોના માથે અચાનક ધરપકડ થવાનો ભય છવાઈ ગયો છે. USCIS (યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ)નાં કાર્યાલયોમાં જ ઘણા અરજદારોનું ઇન્ટરવ્યૂ પૂરું થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિએ ઇમિગ્રેશન ઈચ્છુકોમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જ્યું છે.

કેવી રીતે થાય છે ધરપકડ?

અરજદારો નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યૂ માટે હાજરી આપે છે, અને ઇન્ટરવ્યૂની ઔપચારિકતાઓ પણ પૂર્ણ થાય છે. જોકે, ઇન્ટરવ્યૂ સમાપ્ત થયાના થોડા જ સમય બાદ ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ના અધિકારીઓ અરજદારની ધરપકડ કરી લે છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર મુખ્ય અરજદાર જ નહીં, પણ ગ્રીન કાર્ડ માટેના અરજદારના ભાગીદાર (પતિ અથવા પત્ની)ની પણ એ જ સમયે અટકાયત કરવામાં આવે છે. પછી બંનેને ડિટેન્શન સેન્ટર(ઇમિગ્રેશન અટકાયત કેન્દ્ર)માં લઈ જવામાં આવે છે અને દેશનિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

વકીલોએ આપી ચોંકાવનારી વિગતો 

ઇમિગ્રેશન વકીલ સૈમન નાસેરીએ આ ચિંતાજનક પ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ પ્રકારની ધરપકડની શરૂઆત 12 નવેમ્બરથી થઈ હતી, અને ત્યારથી ઓછામાં ઓછા ચાર અન્ય લોકોને પણ આ જ રીતે પકડવામાં આવ્યા છે. બીજા ઇમિગ્રેશન વકીલ ટેસા કેબ્રેરાએ એક મેક્સિકન ક્લાયન્ટનો કિસ્સો જણાવતાં કહ્યું છે કે, એ માણસે 2002માં અમેરિકા પ્રવેશ કર્યો હતો. તેની એક અમેરિકન નાગરિક પુત્રી પણ છે. તેનું ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પૂરું થયા પછી ICE અધિકારીઓ તેને હાથકડી લગાવીને અટકાયત કેન્દ્રમાં લઈ ગયા હતા.

અટકાયતનું કારણ શું છે?

આ બધી જ અટકાયતોનું મૂળ કારણ એ છે કે આ વ્યક્તિઓએ તેમની મંજૂર થયેલ વિઝાની અવધિ સમાપ્ત થયા પછી પણ અમેરિકામાં અનધિકૃત રીતે નિવાસ કર્યો હતો. ICEના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. તેમનો દાવો છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોની ધરપકડ અને દેશનિકાલ યોગ્ય જ છે. 

ગુનાહિત ઇતિહાસ ન હોય તો પણ ધરપકડનો ખતરો

વકીલો કહે છે કે, જેમની ધરપકડ કરાઈ છે એમાંના મોટાભાગના લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી; તેમણે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે અને ગ્રીન કાર્ડ માટેની અરજી કરીને કાયદાની અંદર રહીને જ અમેરિકામાં કાયમી વસવાટ માટે પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તેમની સાથે ગુનેગારો જેવું વર્તન કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો: દુનિયાના ટોપ-10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, એશિયા પાવર ઈન્ડેક્સ 2025 જાહેર

વકીલોની અમૂલ્ય સલાહ અને સૂચનાઓ

ધરપકડના સમાચાર જાણીને ગભરાઈ રહેલા ગ્રીન કાર્ડના અરજદારોને વકીલો નીચે મુજબની મહત્ત્વપૂર્ણ સલાહ આપે છે. 

- ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હોય તો તેમાં હાજરી આપવી અત્યંત જરૂરી છે. હાજર ન થવાથી તેમની અરજી તુરંત રદ થઈ શકે છે. 

- ઇન્ટરવ્યૂ પહેલાં જ અરજદારોએ તેમનું કૌટુંબિક વ્યવસ્થાપન (જેમ કે, જો એમની ધરપકડ થાય તો એમની ગેરહાજરીમાં એમના બાળકોની કાળજી કોણ લેશે, વગેરે) કરી રાખવું જોઈએ. 

- અરજદારોએ તેમના ઇમિગ્રેશન વકીલ સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ. ઇન્ટરવ્યૂના દિવસે વકીલને સાથે લઈ જવો એક સુરક્ષિત વિકલ્પ ગણાય છે. આવી તૈયારી અનિચ્છનીય પરિસ્થિતિઓમાં કાયદેસર મદદ મેળવવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.