અમેરિકાએ 2025માં 85000 વિઝા રદ કર્યા

- સ્ટુડન્ટ વિઝા રિજેક્શન રેટ ડબલ થયો
- 8,000થી વધુ સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ : 32 દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા પર વિચારણા
વોશિંગ્ટન : જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૮૫,૦૦૦ વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. આ માહિતી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આપી હતી. રિપોર્ટ મુજબ, આ વિઝામાંથી ૮,૦૦૦થી વધુ સ્ટુડન્ટ્ વિઝા હતા. જે ગત વર્ષના આંકડા કરતા બમણા હતા. અધિકારીએ જણાવ્યું કે, આ વિઝા રદ્દ કરવા પાછળના કારણોમાં હુમલા, ચોરી અને નશો કરીને કાર ચલાવવા જેવા ગુનાઓ સામેલ હતા.
ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે જ્યારે, ગાઝા મામલે કેમ્પસ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમના પર આરોપ છે કે, તેમણે યહૂદીઓનો વિરોધ કરવાની સાથે ઉગ્રવાદી જૂથોને ટેકો આપ્યો હતો. જાણકારોના મતે, વિઝા રદ્દ થવાથી વ્યક્તિએ અમેરિકા છોડવાની જરૂર નથી. ફૂલ ટાઈમ એકેડમી સ્ટડી માટે ઉપયોગમાં લેવાતા એફ-૧ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની અને તેમનું શિક્ષણ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
યુએસ ગર્વમેન્ટે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયોના આદેશ અનુસાર જાન્યુઆરીથી ૮૫,૦૦૦ વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, ઘણા વિઝા આતંકવાદને સમર્થનને કારણે તપાસ બાદ રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે, ઘણા વિઝા ઓવરસ્ટેને કારણે રદ્દ કરાયા છે. મોટાપાયે રિજેક્શન બાદ સાબિત થયું છે કે, પહેલા વિઝાની સ્ક્રિનિંગ સિસ્ટમ નબળી હતી અથવા હવે તે વધુ આક્રમક બની ગઈ છે.
રિજેક્શનમાં વધારા પાછળ ટ્રમ્પ સરકારની નવી પોલિસી છે. જેના દ્વારા તેઓ માન્ય વિઝા ધરાવતા તમામ ૫.૫ કરોડ વિદેશી નાગરિકો માટે સતત ચેકિંગની નીતિનો વિસ્તાર કરી રહ્યાં છે. ટ્રમ્પ સરકારે પહેલાથી જ ૧૦ દેશો માટે અમેરિકાના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા છે.
હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીમાં અફઘાન નાગરિક દ્વારા બે નેશનલ ગાર્ડ મેમ્બર્સને ઘાયલ કરવાની ઘટના બાદ ૩૦થી ૩૨ દેશોના નાગરિકોની એન્ટ્રી સામે અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે.

