ચીને WHOના હેડને ખરીદી લીધેલા એટલે જ કોરોના ન રોકી શક્યાઃ US
WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે ચૂંટણીમાં વિજય મેળવવા માટે ચીન સાથે ડીલ કરી હોવાનો અમેરિકી વિદેશ મંત્રીનો દાવો
વોશિંગ્ટન, તા. 22 જુલાઈ 2020, બુધવાર
કોરોના વાયરસ મહામારીને લઈ ફરી એક વખત અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર હુમલો કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કરેલા દાવા પ્રમાણે ચીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેડને ખરીદી લીધા હતા. આ તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, સંસ્થા આવા હુમલાઓને નકારી શકે છે અને વિભિન્ન દેશોને વિનંતી કરે છે કે તેઓ મહામારી રોકવાના કામો પર ફોકસ રહે.
એક અહેવાલ પ્રમાણે મંગળવારે લંડનમાં સાંસદો સાથેની એક ખાનગી મીટિંગમાં માઈક પોમ્પિયોએ WHO પર મોટો આરોપ મુક્યો હતો. પોમ્પિયોના કહેવા પ્રમાણે WHO નિષ્ફળ રહ્યું માટે જ બ્રિટનમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. માઈક પોમ્પિયોએ લગાવેલા આરોપ પ્રમાણે WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે ચૂંટણીમાં વિજય મેળવવા માટે ચીન સાથે ડીલ કરી હતી. પોમ્પિયોના મતે ટેડ્રોસ અને ચીન વચ્ચે જે ડીલ થઈ તેના કારણે લોકોના મૃત્યુ થયા છે.
માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, WHO હવે વિજ્ઞાન પર આધારીત સંસ્થા ન રહીને રાજકીય સંસ્થા બની ગઈ છે અને કોરોના મહામારીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તે ચીન વિરૂદ્ધ આકરૂ વલણ નિશ્ચિત કરવા બ્રિટન અને યુરોપિય દેશો પર દબાણ વધારવાના ઉદ્દેશ્યથી યુરોપ પ્રવાસ શરૂ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ બ્રિટને 5G નેટવર્ક માટે ચીની કંપની Huawei પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી.