સિલ્ક રોડનું અદભુત રહસ્ય: કિર્ગિસ્તાનના ઇસિક-કુલ સરોવરમાં મળ્યું 800 વર્ષ પહેલા ડૂબેલું નગર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

800-Year-Old Silk Road City Discovered Underwater in Lake Issyk-Kul: ઇતિહાસ હંમેશાં જમીનની નીચે દટાયેલો નથી હોતો; કેટલીકવાર તે પાણીના ઊંડાણમાં પણ અકબંધ સાચવાયેલો હોય છે. આવું જ એક મોટું રહસ્ય કિર્ગિસ્તાનના ઇસિક-કુલ (Issyk-Kul) સરોવરના પાણીમાં 800 વર્ષોથી છુપાયેલું હતું. ચીન અને યુરોપને જોડતા પ્રાચીન 'સિલ્ક રૂટ' પર આવેલું એક સમૃદ્ધ નગર અચાનક સરોવરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આજે વિજ્ઞાનીઓ આ સરોવરમાં ડૂબકી લગાવીને મધ્ય એશિયાના ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણને ફરીથી દુનિયા સમક્ષ લાવી રહ્યા છે.
2024થી સંશોધન અભિયાન કાર્યરત
આ પ્રાચીન નગર કિર્ગિસ્તાનના સૌથી મોટા ઇસિક-કુલ સરોવરમાં 'ટોરુ-આયગીર' વિસ્તાર નજીક મળી આવ્યું છે. આ સ્થળ 19મી સદીથી જાણીતું હોવા છતાં, તેનું વ્યવસ્થિત સંશોધન વર્ષ 2024માં શરૂ કરાયું હતું. આ પ્રોજેક્ટમાં આશરે 20 વિજ્ઞાની અને ડાઇવર્સની ટીમ સામેલ છે. નગરના અવશેષો પાણીની સપાટીથી માત્ર 1થી 4 મીટર જેટલા ઊંડાણે જ આવેલા છે.
સિલ્ક રૂટ અને ઇતિહાસ સાથેનું જોડાણ
આ ડૂબી ગયેલું નગર પ્રાચીન 'સિલ્ક રૂટ'ના કેન્દ્રમાં હતું. સિલ્ક રૂટ એ ઈ.સ. પૂર્વે બીજી સદીથી લઈને 15મી સદીના મધ્ય સુધી ચીનને ભૂમધ્ય સમુદ્ર (યુરોપ) સાથે જોડતા વેપાર માર્ગોનું એક વિશાળ નેટવર્ક હતું. આ રસ્તે માત્ર માલ-સામાનનો જ વેપાર નહોતો થતો, પરંતુ વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો તથા વિચારોનું આદાન-પ્રદાન પણ થતું હતું.
સંશોધકો માને છે કે આ અજ્ઞાત નગર કદાચ 5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હતું. આ પ્રદેશ 9મી સદીથી 13મી સદીની શરૂઆત સુધી મધ્ય એશિયા પર શાસન કરનારા 'કારાખાનીદ' (એક તૂર્ક રાજવંશ) ના નિયંત્રણ હેઠળ હતો.
સરોવરના તળિયેથી મળી આવેલા અવશેષો
ક્ષારયુક્ત સરોવરના તળિયે તપાસ કર્યા પછી, ડાઇવર્સ અને પુરાતત્ત્વવિદોને લોકોના રોજિંદા જીવનની ઘણી રસપ્રદ માહિતી મળી છે. જેમ કે…
•માટીના વાસણ અને હાડકાં: પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે, જેના પરથી તે સમયના લોકોના આહાર વિશે માહિતી મળશે. માટીકામના ટુકડા નગરનો ચોક્કસ સમયગાળો, વાસણ બનાવવાની પદ્ધતિ અને તેની ઉંમર નક્કી કરવામાં મદદરૂપ થશે.
• જાહેર ઇમારતો અને કબ્રસ્તાન: અહીંથી એક મોટી અને સુશોભિત જાહેર ઇમારતના નિશાન મળ્યા છે, જે કદાચ મસ્જિદ, જાહેર સ્નાનાગાર (બાથહાઉસ) અથવા કોઈ ધાર્મિક શાળા હોઈ શકે છે. સાથે જ બે પ્રાચીન કબ્રસ્તાન પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ બાંધકામ આ પ્રદેશમાં ઇસ્લામના પ્રસારના પ્રારંભિક તબક્કામાં થયું હશે.
•રોજિંદા જીવનની વસ્તુઓ: બાળકો માટે વપરાતું 'ચેમ્બર પોટ' જેને ‘તુવાક’ કહેવાય છે, તે પણ સારી સ્થિતિમાં મળી આવ્યું છે. આ સાધન આજે પણ મધ્ય એશિયામાં વપરાય છે, જે તે સમયના રોજિંદા જીવન સાથેનો સીધો સંપર્ક દર્શાવે છે.
નગર કેવી રીતે ડૂબી ગયું?
આટલું મોટું અને સમૃદ્ધ નગર પાણીની અંદર કેવી રીતે ડૂબી ગયું, તે હજુ પણ એક રહસ્ય છે. સંશોધન અભિયાનના નિર્દેશક મેક્સિમ મેન્શિકોવ આ નગરની સરખામણી પ્રાચીન રોમન નગર 'પોમ્પેઈ' સાથે કરે છે (જે ઈ.સ. 79માં માઉન્ટ વેસુવિયસ જ્વાળામુખી ફાટવાને કારણે નષ્ટ થઈ ગયું હતું). તેમનું માનવું છે કે આ નગરમાં પણ એક ઉચ્ચ વિકસિત સંસ્કૃતિ હતી, જેને કુદરતે એક જ ક્ષણમાં નષ્ટ કરી દીધી હશે.
રશિયન એકેડેમી ઓફ સાયન્સિસના ભૂસ્તરશાસ્ત્રી આન્દ્રે સ્ટ્રેલનિકોવ માને છે કે આ નગરના ડૂબવા પાછળ કોઈ મોટી ‘ભૂકંપીય આપત્તિ’ જવાબદાર હોઈ શકે છે. ભૂકંપને કારણે ભૂસ્ખલન થયું હોય અથવા તો 'ટેક્ટોનિક બંધ' (ભૂકંપ પછી જળાશયમાં કુદરતી રીતે રચાયેલો બંધ) બનવાને કારણે નગરમાં ધીમે ધીમે પૂરના પાણી ભરાઈ ગયા હોય તેવી શક્યતાઓ છે.
ખોવાયેલા નગરનો ઇતિહાસ જાણવા વધુ સંશોધન જરૂરી
આ શોધ સાબિત કરે છે કે, સિલ્ક રૂટ માત્ર કોઈ એક પ્રદેશનો જ નહીં, પરંતુ સમગ્ર યુરેશિયાનો ઇતિહાસ ધરબીને બેઠો છે. ભલે આ નગરનું નામ અને વસ્તી હજુ અજ્ઞાત છે, પરંતુ માટીકામ, હાડકાં અને ઇમારતોના અવશેષો મધ્ય એશિયાના વિસરાયેલા ઇતિહાસ પર નવો પ્રકાશ પાડી રહ્યા છે. ભવિષ્યમાં વધુ સંશોધન થવાથી આ પ્રાચીન વેપાર કેન્દ્ર વિશેના હજુ ઘણાં રહસ્યો સામે આવશે.




