'હું માણસોની જગ્યા લેવા નથી આવી', દુનિયાની પ્રથમ AI મંત્રીનું સંસદમાં વિસ્ફોટક ભાષણ
Albania World First AI Minister: આલ્બેનિયાએ વિશ્વના પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે. જેમનું નામ ડાયેલા છે. તે એક રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. આલ્બેનિયાની નેશનલ એજન્સી ફોર ઈન્ફોર્મેશન સોસાયટીએ માઈક્રોસોફ્ટના સહયોગથી એઆઈ મંત્રી વિકસિત કર્યા છે.
આલ્બેનિયા સરકારની એઆઈ મંત્રી ડાયેલાએ આજે પ્રથમ વખત સંસદને સંબોધી હતી. સંસદને સંબોધિત કરતાં કહ્યું કે, વિપક્ષ મારી નિમણૂકને વારંવાર ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. વિપક્ષના આ આરોપોથી હું દુઃખી છું. હું માત્ર લોકોની મદદ માટે છું. મારો હેતુ માનવીને રિપ્લેસ કરવાનો નથી. હું કોઈનું પણ સ્થાન લેવા માગતી નથી. અલ્બેનિયમ ભાષામાં ડાયેલાનો અર્થ સૂરજ થાય છે. આલ્બેનિયાની પારંપારિક વેશભૂષામાં મહિલા રૂપે તૈયાર કરવામાં આવ્યા છે. તેનો અવાજ અને ચહેરો આલ્બેનિયાની અભિનેત્રી અનિલા બિશાથી પ્રેરિત છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની લોકપ્રિયતા ગગડી, અમેરિકન જ હવે પસંદ નથી કરતા, કારણ- ઘરેલુ અને વિદેશ નીતિ
આલ્બેનિયાના વડાપ્રધાન એદી રામાએ 12 સપ્ટેમ્બરના રોજ પોતાની ચોથી કેબિનેટ બેઠકમાં ડાયેલાને જાહેર ખરીદ મંત્રાલયના મંત્રી તરીકે પસંદ કર્યા હતાં. જેની જાહેરાત તિરાનાની સંસદમાં થઈ હતી. આલ્બેનિયા યુરોપિયન સંઘમાં સામેલ થવાની પ્રક્રિયામાં છે, પરંતુ તેને ભ્રષ્ટાચારનો સૌથી મોટો પડકાર નડી રહ્યો છે. ડાયેલાની પસંદગી સરકારી ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે થઈ છે. રામા સરકારના ટેક્નિકલ ઈનોવેશન અને ભ્રષ્ટાચાર વિરોધી છબિને પ્રોત્સાહન આપવાની રણનીતિનો એક ભાગ છે.
લાંચ રૂશ્વત ખતમ થાય તેવી આશા
AI મંત્રી ડિએલાને ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આલ્બેનિયાના વડાપ્રધાને કહ્યું છે કે AI મંત્રી પબ્લિક ફંડિંગ પ્રોજેક્ટ્સ તથા સરકારી ટેન્ડરો પર નજર રાખશે. તેમનો વાયદો છે કે AIની મદદથી ટેન્ડરમાં 100 ટકા ભ્રષ્ટાચાર નાબૂદી કરવામાં આવશે. નોંધનીય છે કે 2025ની શરૂઆતમાં જ e-Albania નામના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર ડિએલાને લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર તેઓ પારંપરિક પોશાકમાં લોકોને વેબસાઈટનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી આપતી. એવામાં સરકારી ટેન્ડરની પસંદગીની પ્રક્રિયામાં AIને સામેલ કરવાથી લાંચ, રૂશ્વત તથા પક્ષપાત સમાપ્ત થઈ જશે.