- ચેટજીપીટીની કંપની ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું નિવેદન
- દસ વર્ષ સુધીમાં એક માણસ દ્વારા ચલાવવામાં આવતી AI પાવર્ડ કંપનીઓ અબજો ડોલરનું ટર્નઓવર કરશે
- અનેક કંટાળાજનક કોર્પોરેટ નોકરીઓ રહેશે જ નહીં, કોલેજ ગ્રેજ્યુએટ સ્પેસ પ્રોગ્રામ માટે કામ કરી શકશે
કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે ૨૦૨૫માં કુલ ૫૪૯ કંપનીઓમાં ૧,૫૦,૦૦૦થી વધુએ નોકરી ગુમાવી હતી. આ વચ્ચે ચેટજીપીટીની કંપની ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. સેમે દાવો કર્યો છે કે, આવનારા વર્ષોમાં નોકરીઓમાં ક્રાંતિકારી બદલાવ આવશે અને ૨૦૩૫ સુધીમાં ઘણા સેક્ટર્સ એવા હશે જેમાં પગારના આંકડા આકાશને આંબશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે સેમ ઓલ્ટમેને કહ્યું કે, એઆઈને કારણે ઉત્પાદકતા વધવાની સાથે માણસોની પ્રતિભાની કદર પણ વધશે. ભવિષ્યનું જોબ માર્કેટ આજના કરતા સંપૂર્ણપણે અલગ હશે. આજથી દસ વર્ષ પછી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓ ઓફિસની નોકરીઓમાં આજની જેમ કામ નહીં કરે. તેઓ એવા બિઝનેસ અથવા નોકરીઓમાં કામ કરશે જે હજી અસ્તિત્વમાં નથી.એક માણસ દ્વારા ચલાવવામાં આવતી એઆઈ પાવર્ડ કંપનીઓ અબજો ડોલરનું ટર્નઓવર કરશે.
ઓપનએઆઈના સીઈઓએ એવો સંકેત આપ્યો હતો કે, ભવિષ્યની નોકરીઓ અવકાશ સંશોધન અને અન્ય અદ્યતન તકનીકો સાથે સંબંધિત હશે. આ નોકરી આવશે પરંતુ, તે પહેલા મોટા પ્રમાણમાં નોકરીઓ જશે. એઆઈ પહેલા ઘણા એવા રોલને દૂર કરશે જેમાં, એકનું એક કામ અનેક વખત કરવાનું હોય છે. આ સાથે જ એવા રોલ જેમાં કામ અનુમાનિત હોય છે.
જનરેશન-ઝી પ્રત્યે ઈર્ષ્યાની લાગણી વ્યક્ત કરતા સેમ ઓલ્ટમેને કહ્યું કે, જેઓ હવે પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યાં છે તેઓ ઈતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક પરથી પસાર થઈ રહ્યાં છે. ભાવિ પેઢીઓ આજના કોર્પોરેટ કાર્યોને કંટાળાજનક અને જૂના જમાનાના તરીકે જોશે. થોડા વર્ષોમાં જ એઆઈ કંપનીના મુખ્ય વિભાગો ચલાવવા અને વ્યૂહાત્મક નિર્ણયો લેવા સક્ષમ બનશે.
AI માટે સેંકડો અબજ ડોલરનું રોકાણ જોઈશે
માઈક્રોસોફ્ટ એઆઈના સીઈઓ મુસ્તફા સુલેમાને મોટી કંપનીઓ વચ્ચે ચાલી રહેલી એઆઈ રેસને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવનારા પાંચ-દસ વર્ષમાં એઆઈ માટે સેંકડો અબજ ડોલરનું રોકાણ જોઈશે. જેમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાર્ડવેર અને સ્પેશિયલ ટેલેન્ટ પાછળ ખર્ચ થશે. હ્યુમન કેપિટલ પાછળ હાલમાં પણ ભારે ખર્ચ થઈ રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી એઆઈ સેક્ટરમાં એઆઈ રિસર્ચર્સ, ડેટા સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સના પગારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.સપ્ટેમ્બર મહિનામાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે, એઆઈ પાછળ સો-બસ્સો અબજ ડોલર વધુ ખર્ચ કરવામાં તેમને કોઈ તકલીફ નથી.
નોકરી માટે ડિગ્રી નહીં AI સ્કિલ્સ જરૂરી બનશે
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની પ્રોફેસર અને એઆઈ સ્ટાર્ટઅપ વર્લ્ડ લેબની સીઈઓ ફેઈ-ફેઈ લી કે જેને 'ગોડમધર ઓફ એઆઈ' તરીકે ઓળખવામાં આવે છે, તેણે એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હવેથી ડિગ્રી નહીં એઆઈ સ્કિલ્સ જરૂરી બનશે.
સ્ટેનફોર્ડમાં હ્યુમન-સેન્ટર્ડ એઆઈ ઈન્સ્ટિટયુટની ફાઉન્ડિંગ કો-ડિરેક્ટરે વધુમાં કહ્યું કે, જ્યારે તે સોફ્ટવેર એન્જિનિયરનો ઈન્ટરવ્યુ લે છે ત્યારે, ડિગ્રી કરતા તેમની આવડતને વધુ મહત્ત્વ આપે છે.
હવેના સમયમાં તમે કંઈ એઆઈ ટૂલનો ઉપયોગ કરો છો તેનું વધુ મહત્ત્વ છે. સેમ ઓલ્ટમેને પણ કહ્યું છે કે, ૧૦ વર્ષમાં કોલેજ ડિગ્રીનું મહત્ત્વ નહીં રહે, એઆઈ સ્કિલ્સ જરૂરી બનશે.


