- હિન્દુઓ પર અત્યાચાર-હત્યાનો સીલસીલો યથાવત્
- અમૃતને ટોળાએ મારપીટ કરી મારી નાંખ્યો, સાથી સલીમને પોલીસને સોંપ્યો : માંડલ ખંડણીની વસૂલાત કરતો હોવાનો આક્ષેપ
ઢાકા : બાંગ્લાદેશમાં ઓગસ્ટ ૨૦૨૪માં તત્કાલિન વડાંપ્રધાન શેખ હસિનાના તખ્તા પલટ પછીથી હિન્દુઓ વિરુદ્ધ અત્યાચાર અને હત્યાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શેખ હસીના વિરુદ્ધ આંદોલન કરનારા કટ્ટરવાદી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા પછી બાંગ્લાદેશમાં ફરીથી હિન્દુઓની હત્યા શરૂ થઈ છે. દીપુચંદ્ર દાસ, શ્યામ મજૂમદાર પછી હવે વધુ એક હિન્દુ અમૃત માંડલની ટોળાએ મારપીટ કરીને હત્યા કરી છે.
બાંગ્લાદેશમાં દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ફેલાયેલી અરાજક્તા અને અશાંતિ વચ્ચે રાજાબાડી જિલ્લાના પાંગશા ઉપજિલ્લામાં બુધવારે મોડી રાતે હિન્દુ યુવક અમૃત માંડલની ટોળાએ ખૂબ જ માર મારીને હત્યા કરી હતી જ્યારે તેના મુસ્લિમ સાથીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે અમૃત માંડલ પર બળજબરીથી વસૂલીનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કહ્યું કે, બુધવારે મોડી રાતે ૧૧.૦૦ કલાકે કલીમોહર યુનિયનના હોસેદંગા ગામમાં અમૃત માંડલની હત્યા કરાઈ હતી. ત્યાર પછી ગામમાં ભયનું વાતાવરણ છવાયેલું છે.
પોલીસે ઘટના સ્થળેથી સમ્રાટના સાથી મોહમ્મદ સલીમની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બે હથિયાર પણ જપ્ત કર્યા હતા. પોલીસે કહ્યું કે, અમૃત અને તેના સાથીઓએ શાહિદુલ નામની વ્યક્તિ પાસેથી ખંડણી માગી હતી. બુધવારે રાતે બંને શાહિદુલના ઘરે ખંડણીની રકમ લેવા ગયા હતા. સ્થાનિક લોકોએ અમૃત માંડલને પકડી લીધો અને તેની ક્રૂરતાપૂર્વક મારપીટ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીના વિરુદ્ધ આંદોલન કરનારા કટ્ટરવાદી નેતા શરીફ ઓસ્માન હાદીની હત્યા પછી હિન્દુઓ પર અત્યાચાર વધી ગયા છે. એવામાં છેલ્લા આઠ દિવસમાં કટ્ટરવાદી ટોળા દ્વારા ત્રણ હિન્દુઓની માર મારીને હત્યા કરાઈ હતી. હાદીની મોતના દિવસે ૧૮ ડિસેમ્બરે કટ્ટરવાદી ટોળાએ ઈશનિંદાના આક્ષેપ હેઠળ હિન્દુ યુવક દીપુચંદ્ર દાસની હત્યા કરી હતી અને તેને ઝાડ પર ફાંસીએ લટકાવી સળગાવી દીધો હતો.
આ સિવાય બાંગ્લાદેશના મીડિયાના અહેવાલો મુજબ બુધવારે ઢાકાના મોગબજાર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બથી હુમલો કરી શ્યામ મજૂમદારની હત્યા કરાઈ હતી. તેની હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી. રિપોર્ટ્સ મુજબ આ હત્યા રાજકીય અશાંતિના કારણે થઈ હતી. દરમિયાન દીપુચંદ્ર દાસની હત્યા મુદ્દે દુનિયામાં ભારે હોબાળો મચ્યો છે ત્યારે પોલીસે દીપુના હત્યારાની માહિતી આપનાર માટે ઈનામ જાહેર કર્યું હતું.


