World

અમેરિકાના હુમલા બાદ હવે ઈરાનનો વારો, ખામેનેઈના 'ખાસ' વ્યક્તિએ જણાવ્યો આખો પ્લાન

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી કરતાં જ ઈરાન ભડકી ઉઠ્યું છે. ઈરાનના અધિકારીઓએ અમેરિકાને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વિલંબ કર્યા વિના હુમલો કરવાની તૈયારી પણ દર્શાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના હુમલા બાદ હવે ઈરાનનો વારો, ખામેનેઈના 'ખાસ' વ્યક્તિએ જણાવ્યો આખો પ્લાન

Iran Israel War: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી કરતાં જ ઈરાન ભડકી ઉઠ્યું છે. ઈરાનના અધિકારીઓએ અમેરિકાને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વિલંબ કર્યા વિના હુમલો કરવાની તૈયારી પણ દર્શાવી છે.

અમેરિકા પર હુમલો કરવાની તૈયારી

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના અંગત હુસૈન શરિયતમદારીએ જણાવ્યું હતું કે, હવે વિલંબ વિના કાર્યવાહી કરવાનો વારો છે. પહેલાં પગલાંના ભાગરૂપે આપણે બહેરીનમાં અમેરિકાના નૌસેના મથક પર મિસાઈલ હુમલો કરવો જોઈએ. તેમજ અમેરિકા, બ્રિટિશ, જર્મન અને ફ્રાન્સના જહાજો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુજ માર્ગ બંધ કરવો જોઈએ.

ખામેનેઈએ જૂની ધમકીનો પુનરોચ્ચાર કર્યો

હુસૈન શરિયતમદારી કાયહાન અખબારના મેનેજિંગ ડિરેક્ટર છે. તે ખામેનેઈના વિશ્વાસુ વ્યક્તિ છે. અમેરિકાના હુમલા બાદ ખામેનેઈ તરફથી સત્તાવાર નિવેદન અને પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ખામેનેઈના ટેલિગ્રામ એકાઉન્ટમાં એક જૂની ધમકીભરી પોસ્ટ રિપોસ્ટ કરવામાં આવી છે. જેમાં ખામેનેઈએ યુદ્ધમાં અમેરિકાની દખલગીરી પર એલર્ટ આપ્યું હતું કે, જો અમેરિકાએ આ યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો તો અમેરિકામાં થનારૂ નુકસાન ઈરાનમાં થનારા કોઈપણ નુકસાનથી વધુ હશે. અમેરિકા આ મામલે 100 ટકા પોતાનું નુકસાન કરવા જ પ્રવેશ કરશે. 

આ પણ વાંચોઃ યુદ્ધમાં USની એન્ટ્રી બાદ ઈરાન 'Strait Of Hormuz' બંધ કરે તો આખી દુનિયા ટેન્શનમાં મૂકાશે!

અમેરિકા પર લગાવ્યા ગંભીર આરોપ

અમેરિકા દ્વારા હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગ્ચીએ પોસ્ટ કરી હતી કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલના કાયમી સભ્ય અમેરિકાએ ઈરાનના શાંતિપૂર્ણ પરમાણુ મથકો પર હુમલો કરી યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદો અને પરમાણુ અપ્રસાર સંધિ (Nuclear Non-Proliferation Treaty)નું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. તેના માઠા પરિણામ જોવા પડશે. 

ત્રણ પરમાણુ મથકો પર હુમલા

અમેરિકાએ આજે વહેલી સવારે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરી બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. અમેરિકાના પ્રમુખે આ હુમલાની માહિતી આપી હતી કે, ઈરાનના પરમાણુ મથકોને સંપૂર્ણપણે નષ્ટ કર્યા છે. જો ઈરાને વળતો પ્રહાર કર્યો તો તેની વિરૂદ્ધ વધુ આકરા હુમલા થશે. ઈરાનમાં ક્યાં તો શાંતિ સ્થાપિત થશે કાં તો તણાવ. જે છેલ્લા આઠ દિવસમાં જોવા મળેલી અફરાતફરી કરતાં પણ ઘાતક હશે.