ભારત પાકિસ્તાનને એક ઝાટકે નહીં પણ ધીમે ધીમે તડપાવીને મારી રહ્યું છે...' : અમરુલ્લાહ સાલેહ
Image Source: Twitter
Amrullah Saleh on Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ હુમલા બાદ લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વચ્ચે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પહલગામ આતંકવાદી હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'એવું લાગી રહ્યું છે કે ભારતે પોતાના દુશ્મનોને સજા આપવા માટે ઈલેક્ટ્રિક ચેરનો ઉપયોગ કરવાના બદલે તેમના ગળામાં લાંબુ દોરડું લપેટી દીધું છે.' આ નિવેદન દ્વારા તેમનો કહેવાનો અર્થ એ છે કે, ભારત પોતાના દુશ્મન (પાકિસ્તાન)ને એક ઝાટકે નહીં પણ તેના પર સંપૂર્ણ સકંજો કસીને ધીમે-ધીમે તડપાવીને મારી રહ્યું છે.
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત
તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ભારત આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ વિરુદ્ધ રણશિંગુ ફૂંકી ચૂક્યા છે. બીજી તરફ પાકિસ્તાન હાઈ એલર્ટ મોડ પર છે.
પહલગામ હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા ચૂક્યા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં નથી આવી.
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, '1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે.'
કોણ છે અમરુલ્લાહ સાલેહ?
ઓક્ટોબર 1972માં પંજશીર પ્રાંતમાં જન્મેલા અમરુલ્લાહ તાજિક એથનિક ગ્રુપના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નાની ઉંમરમાં જ તેણે પોતાનો પરિવાર ગુમાવી દીધો હતો. આવી સ્થિતિમાં તેમણે નાની ઉંમરમાં જ અહેમદ શાહ મસૂદના નેતૃત્વ હેઠળની તાલિબાની વિરોધી ચળવળમાં જોડાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરુલ્લાહ સાલેહને તાલિબાને વ્યક્તિગત રીતે નુકસાન પહોંચાડ્યું છે. 1996માં તાલિબાનીઓએ તેમની બહેનને ત્રાસ આપીને મારી નાખી હતી. સાલેહે જણાવ્યું કે, ત્યારથી તાલિબાન પ્રત્યેનું મારું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. આવી સ્થિતિમાં તેમણે તાલિબાનને હરાવવા માટેની લડાઈમાં ભાગ લીધો. 1997માં મસૂદ દ્વારા અમરુલ્લાહ સાલેહને યુનાઈટેડ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા. જે તાજિકિસ્તાનના દુશાંબેમાં હતું. ત્યાં તેમણે વિદેશી ઈન્ટેલિજન્સ સાથે મળીને કામ કર્યું.