જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડક્યાં
Imtiaz Ahmad Magray Death Controversy: રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અહરબલ વિસ્તારમાં અદબલ નાળામાંથી 23 વર્ષીય યુવક ઈમ્તિયાઝ અહમદ માગરેનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે જમ્મુ-કાશ્મીરમાં આ યુવકના મોત પર આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવકના પરિવારે સુરક્ષા દળની કસ્ટડીમાં યુવકનું મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે ઈમ્તિયાઝને થોડા દિવસ પહેલા સેનાએ કસ્ટડીમાં લીધો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓ આક્રોશમાં છે અને આ મામલાની ન્યાયિક તપાસની માગણીઓ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસનો દાવો છે કે માગરેએ ખુદ નાળામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને આ મામલે એક વીડિયો ફૂટેજ પણ જારી કરવામાં આવ્યો છે. માગરે પર આતંકવાદીઓને ભોજન આપવાનો અને રહેવા માટે સ્થાન આપવાનો આરોપ છે.
આતંકવાદીઓને મદદ કરવાની વાત 'કબૂલી'
આ મામલે પોલીસે જણાવ્યું કે, 'ઈમ્તિયાઝને કથિત રીતે આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW) હોવાની શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.' પોલીસનો દાવો છે કે, 'તેણે સુરક્ષા દળોને આતંકવાદી ઠેકાણા તરફ લઈ જતી વખતે વૈષ્ણો નદીમાં કૂદી પડ્યો હતો અને તેનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હતું. ઈમ્તિયાઝનો મૃતદેહ મળ્યાના થોડા કલાકો પછી સામે આવેલા ડ્રોન ફૂટેજમાં એક યુવાન અદબલ નાળામાં કૂદીને તણાતો દેખાઈ રહ્યો છે.' પોલીસે દાવો કર્યો કે, તેણે આતંકવાદીઓને મદદ કરી હોવાની "કબૂલાત" કરી હતી અને જ્યારે તે સુરક્ષા દળોને જંગલ વિસ્તારમાં એક ઠેકાણા પર લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
યુવકના મૃત્યુની ન્યાયિક તપાસની માગ
આ વચ્ચે જમ્મુ-કાશ્મીર સરકારમાં મંત્રી સકીના ઈટ્ટુએ માગરેના મૃત્યુની ન્યાયિક તપાસની માગ કરતા દાવો કર્યો કે, 'મૃતક વિરુદ્ધ પોલીસ રેકોર્ડમાં કંઈ નથી. માગરેના મૃત્યુની ન્યાયિક તપાસ થવી જોઈએ જેથી સત્ય બહાર આવી શકે. પહલગામ હુમલો ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ હતો. આપણે બધા તેનાથી દુઃખી છીએ. જોકે, ડરનો માહોલ છે. હું લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને વિનંતી કરું છું કે, તમે ગૃહ વિભાગને નિર્દેશ આપો કે નિર્દોષ લોકોને હેરાન ન કરવામાં આવે અને તેમને નુકસાન ન પહોંચાડે.'
પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, 'કુલગામમાં નાળામાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેના અંગે ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, સુરક્ષા દળોએ બે દિવસ પહેલા પૂછપરછ માટે ઈમ્તિયાઝ માગરેની અટકાયત કરી હતી અને હવે તેનો મૃતદેહ રહસ્યમય રીતે નદીમાંથી મળી આવ્યો છે.'
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો કાશ્મીરમાં શાંતિને પાટા પરથી ઉતારવા, પર્યટનને વિક્ષેપિત કરવાનો અને દેશભરમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો સુનિયોજિત પ્રયાસ હતો.'
લોકશાહી અને કાનૂની સિદ્ધાંતોનું ઉલ્લંઘન
નેશનલ કોન્ફરન્સ (NC)ના લોકસભા સભ્ય આગા રુહુલ્લાહ મેહદીએ જણાવ્યું કે, હું માગરેનો મૃતદેહ મળી આવવાની ઘટનાથી ખૂબ જ ચિંતિત છું. વિશ્વસનીય અહેવાલો પ્રમાણે માગરેને થોડા દિવસ પહેલા સુરક્ષા દળોએ પકડ્યો હતો અને આજે તેને મૃત હાલતમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પહલગામ હુમલા પછી કાશ્મીરીઓના મૃત્યુને નુકસાનની ભરપાઈ તરીકે ન જોઈ શકાય. મનસ્વી અટકાયત, કસ્ટોડિયલ હત્યા અને ત્રાસ દરેક લોકશાહી અને કાનૂની સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
આ ઘટના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે આવી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, જેના કારણે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે.
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત
આ ઘટના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે આવી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, જેના કારણે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે.