અફઘાનિસ્તાનનો દાવો- ઈસ્લામાબાદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી, પાકિસ્તાને કહ્યું- અમે 274 લડાકૂ માર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Afghanistan-Pakistan War : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોય તેમ બંને દેશોએ એકબીજાના સૈન્ય ઠેકાણાઓ પર ભયાનક હવાઈ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાને દાવો કર્યો કે તેણે પાકિસ્તાનના અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરીને ભારે નુકસાન કર્યું છે, જેમાં 55 પાક. સૈનિકો માર્યા ગયા છે, તો બીજીતરફ પાકિસ્તાને પણ 274 તાલિબાની લડાયકો માર્યા ગયાનો દાવો કર્યો છે.
પાકિસ્તાનના અનેક શહેરોમાં અફઘાનિસ્તાનની એરસ્ટ્રાઈક
અફઘાનિસ્તાનના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લા ફિતરતે દાવો કર્યો છે કે, અફઘાન એરફોર્સે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત નૌશેરા, જમરુદ અને એબટાબાદમાં આવેલા સૈન્ય મથકો પર એરસ્ટ્રાઈક કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ કાર્યવાહી ગુરુવારે રાત્રે કાબુલ, કંધાર અને પક્તિયામાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હોવાનું અફઘાનિસ્તાને જણાવ્યું છે.
આ પણ વાંચો : શરતો માનો, નહીં તો હુમલા માટે તૈયાર રહો... જિનીવા બેઠકમાં અમેરિકાની ઈરાન સામે 5 શરત
પાકિસ્તાની સેનાનો દાવો: 274 તાલિબાની લડાયકોના મોત
પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શહેબાઝ શરીફના નિર્દેશ હેઠળ ચલાવવામાં આવેલા ઓપરેશનમાં અફઘાનિસ્તાનના 22 સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં અંદાજે 274 તાલિબાની લડાયકો માર્યા ગયા હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે. જોકે, પાકિસ્તાને સ્વીકાર્યું છે કે આ સંઘર્ષમાં તેમના પોતાના 12 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે.
અફઘાનિસ્તાનનો પલટવાર: 55 પાકિસ્તાની સૈનિકો ઠાર
બીજી તરફ અફઘાન સંરક્ષણ મંત્રાલયે અલગ આંકડા આપતા જણાવ્યું છે કે, તેમના વળતા હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને તેમણે 19 ચોકીઓ તેમજ બે સૈન્ય બેઝ પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનનો આરોપ છે કે પાકિસ્તાની હુમલામાં નિર્દોષ મહિલાઓ અને બાળકોના મોત થયા હતા, જેના જવાબમાં તેમણે ડૂરન્ડ લાઈન પાર કરીને આકરી સૈન્ય કાર્યવાહી કરી છે. આ ઓપરેશન દરમિયાન અફઘાન સેનાએ પાકિસ્તાની સેનાના હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હોવાનો દાવો કર્યો છે.








