અલાસ્કામાં બે વિમાનો હવામાં ટકરાયાં- સાતનાં મોત
- શુક્રવારે પરોઢિયે બનેલી હવાઇ દુર્ઘટના
- ટ્રમ્પના પક્ષના એક એસેમ્બ્લી મેમ્બર પણ ગયા
અલાસ્કા તા. 1 ઑગષ્ટ 2020 શનિવાર
અમેરિકાના અલાસ્કા પ્રાંતમાં શુક્રવારે સવારે એક વિમાન અકસ્માતમાં રિપબ્લિકન પાર્ટીના એક એસેમ્બ્લી મેમ્બર સહિત કુલ સાતનાં મોત નીપજ્યાં હતાં. મિડિયા રિપોર્ટ મુજબ અલાસ્કામાં કેનાઇ આયલેન્ડ પાસે સોલ્ડોત્ના એરપોર્ટ નજીક આ અકસ્માત થયો હતો જ્યારે હવામાં બે વિમાન એકબીજાની સાથે અથડાયાં હતાં.
સ્થાનિક સમય મુજબ સવારે સાડા આઠની આસપાસ બનેલા આ અકસ્માતમાં એક એંજિન ધરાવતું ડી હેવીલૈન્ડ ડીએચસી ટુ બીવર વિમાન બે એંજિનવાળા પાઇપર પી-ટ્વેલ્વ વિમાન સાથે અથડાયું હતું. માર્યા ગયેલા લોકોમાં સ્થાનિક એસેમ્બલીના સભ્ય ગૈરી નોપનો પણ સમાવેશ થયો હતો. સત્તાવાળાઓએ કહ્યું હતું કે આ અકસ્માતમાં તૂટી પડેલા વિમાનોનો ભંગાર સ્ટર્લિંગ હાઇવે પાસે પડ્યો હતો. બંને વિમાનોએ સોલ્ડોતના એરપોર્ટથી લગભગ એક સાથે ઉડ્ડયન કર્યું હતું.
એંકોરેજ શહેરથી લગભગ 150 માઇલ દૂર હવામાં આ બંને વિમાનો ટકરાયાં હતાં. એક વિમાનમાં પાઇલટ ઉપરાંત માત્ર એસેમ્બ્લી મેમ્બર ગૈરી નોપ હતા. બીજા વિમાનમાં કુલ છ ઉતારુ હતા. ગૈરી નોપના નિધનને માન આપીને અલાસ્કર પ્રાંતમાં સોમવાર સુધી રાષ્ટ્રધ્વન અર્ધી કાઠીએ ફરકાવવાનો આદેશ અલાસ્કાના ગવર્નર માઇક ડનલીએ આપ્યો હોવાનું ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું. અલાસ્કાના વિવિધ નેતાઓએ ગૈરી નોપને શ્રદ્ધાંજલિ આપી હતી.
સંબંધિત વિભાગના અધિકારીઓ આ અકસ્માતની તપાસ કરી રહ્યા હતા એવું પણ આ અહેવાલમાં જણાવાયું હતું. બંને વિમાનો અકસ્માતમાં પૂરેપૂરાં ભાંગી ગયાં હતાં. જો કે એક વિમાનનો પાઇલટ આ અકસ્માતમાં ઊગરી ગયો હતો જેની પૂછપરછ દ્વારા આ અકસ્માતનાં કારણો જાણી શકાશે એમ તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું હતું.