World

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ઓહિયો રાજ્યના રિચમંડ હાઈટ્સમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર શુક્રવારે ઉપદ્રવીઓએ ઈંટો વડે હુમલો કર્યો. આ હુમલામાં મંદિરની બારીના કાચ તૂટ્યા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 'કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા' (CoHNA) એ આ ઘટનાની નિંદા કરી, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ હુમલો 'હિન્દુ હેરિટેજ મંથ'ની શરૂઆતમાં થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
IMAGE - IANS

Ohio Swaminarayan Temple Attack: અમેરિકાના ઓહિયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર પર ઉપદ્રવીઓ દ્વારા ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હોવાની એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. આ હુમલો થયો ત્યારે મંદિરની અંદર પૂજારી અને અનેક શ્રદ્ધાળુઓ હાજર હતા. 'કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા' (CoHNA) સંસ્થાના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર બપોરની છે, જેમાં ઓહિયોના રિચમંડ હાઈટ્સમાં સ્થિત 'શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ'ને નિશાન બનાવવામાં આવ્યું હતું.

હુમલામાં કાચ તૂટ્યા, સદનસીબે જાનહાની ટળી

હુમલાખોરોએ મંદિર પર ઈંટો ફેંકી હતી, જેના કારણે મંદિરની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે, રાહતની વાત એ રહી કે હુમલાના સમય દરમિયાન કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અથવા કોઈને ગંભીર ઈજા પહોંચ્યાના તાત્કાલિક કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી.

CoHNA સંસ્થા દ્વારા સખત શબ્દોમાં નિંદા

CoHNA સંસ્થા દ્વારા આ કાયરતાપૂર્ણ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. સંસ્થાએ રિચમંડ હાઈટ્સના મેયર કિમ થોમસ અને સ્થાનિક પોલીસ પ્રશાસન સમક્ષ આ પ્રકારની કટ્ટરતા સામે અવાજ ઉઠાવવા તેમજ દોષિતો સામે વહેલી તકે કડક પગલાં લેવાની માંગણી કરી છે. હાલ આ મામલે કોઈ સંદિગ્ધની ઓળખ કે ધરપકડ થયાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

'હિન્દુ હેરિટેજ મંથ'ની શરૂઆત વચ્ચે બની ઘટના

સંસ્થાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકામાં હિન્દુ સમુદાયના લોકો 'હિન્દુ હેરિટેજ મંથ'ની ઉજવણીની શરૂઆત જ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ નવરાત્રીનો પવિત્ર તહેવાર પણ આવનાર છે.

અમેરિકામાં હિન્દુ મંદિરો પર અગાઉ પણ થયા છે હુમલા

આ હુમલા બાદ CoHNA એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે અમેરિકામાં હિન્દુ મંદિરો અને સમુદાય વિરુદ્ધ નફરત તથા હિંસાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં ગત વર્ષોમાં મંદિરો પર થયેલા કેટલાક મુખ્ય હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો છે:

ડિસેમ્બર 2023: કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત 'એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર'ની દીવાલો પર આપત્તિજનક અને નફરત ફેલાવતા નારા લખવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 2024: ન્યુયોર્કના મેલવિલે અને કેલિફોર્નિયાના સેક્રામેન્ટો ક્ષેત્રમાં 'BAPS' મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી.

માર્ચ 2025: કેલિફોર્નિયાના ચીનો હિલ્સ સ્થિત BAPS મંદિરને પણ નફરતભર્યા સંદેશાઓ લખીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ સતત બની રહેલી ઘટનાઓને કારણે અમેરિકામાં વસતા ભારતીય અને હિન્દુ સમુદાયના લોકોમાં સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ છે.