સહાય કેન્દ્રો નજીક ભોજન-પાણી માટે વલખાં મારતાં 798 લોકોનાં મોત, ગાઝા અંગે ચોંકાવનારો રિપોર્ટ
798 Palestinians dead while trying to get Food: ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની લડાઈ ખૂબ જ ભયાનક બની ગઈ છે. બંને દેશો વચ્ચેની લડાઈમાં ગાઝામાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ ગાઝામાં લોકો ફક્ત ઇઝરાયલી હુમલાઓમાં જ મૃત્યુ પામ્યા નથી, પરંતુ ખોરાક અને પાણી મેળવવાનો પ્રયાસ કરતી વખતે પણ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે.
ભોજન-પાણી માટે વલખાં મારતાં 798 લોકોનાં મોત
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે (OHCHR) 11 જુલાઈ, 2025માં એક નિવેદન જાહેર કર્યું છે. તેના નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે જણાવ્યું હતું કે તેણે ઓછામાં ઓછા 798 પેલેસ્ટિનિયનોના મૃત્યુ નોંધ્યા છે, જેમાં 615 મૃત્યુ યુએસ અને ઇઝરાયલ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) ના કેન્દ્રોની આસપાસ થયા છે. જયારે 183 મૃત્યુ અન્ય રાહત જૂથોના કાફલાના માર્ગ પર થયા છે. OHCHR અનુસાર, મોટાભાગના ઘાયલો ગોળીબારથી ઘાયલ થયા હતા. આ પરિસ્થિતિ માનવતાવાદી નિષ્પક્ષતાના ધોરણોનું ઉલ્લંઘન કરે છે.
યુએનના આંકડાઓને ખોટા અને ગેરમાર્ગે દોરનારા ગણાવીને GHF એ ફગાવ્યા
GHF એ યુએનના આંકડાઓને ખોટા અને ગેરમાર્ગે દોરનારા ગણાવીને ફગાવી દીધા. તેણે દાવો કર્યો હતો કે સૌથી ઘાતક હુમલાઓ યુએન કાફલાઓ સાથે જોડાયેલા હતા. GHF કહે છે કે અમે પાંચ અઠવાડિયામાં ગાઝામાં 70 મિલિયનથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે, જ્યારે અન્ય માનવતાવાદી જૂથો તરફથી મળતી સહાય હમાસ અથવા ગુનાહિત ગેંગ દ્વારા લૂંટાઈ હતી.' બીજી બાજુ, યુએનએ સહાય લૂંટની ઘટનાઓની પુષ્ટિ કરી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે અહેવાલ આપ્યો છે કે ગાઝામાં ખોરાક લઈ જતી મોટાભાગના ટ્રકોને ભૂખ્યા લોકોએ રોકી હતી.
આ પણ વાંચો: ...તો ભારત પર લાગશે 500% ટેરિફ? અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કડક કાયદો લાવવાની તૈયારીમાં!
સુરક્ષા પગલાં લેવામાં આવ્યા પરંતુ...
ઇઝરાયલે કહ્યું કે, 'અમે અમારી લશ્કરી કાર્યવાહી દરમિયાન સહાય પુરવઠો હમાસના હાથમાં ન જાય તે માટે વાડ અને ચિહ્નો ઉભા કરવા જેવા પગલાં લઈ રહ્યા છીએ. જોકે ગાઝામાં 21 મહિનાથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને કારણે ખોરાક અને અન્ય મૂળભૂત પુરવઠાની તીવ્ર અછત સર્જાઈ છે. 2.3 મિલિયન વસ્તીમાંથી મોટાભાગના લોકો વિસ્થાપિત થયા છે. OHCHR એ આ હિંસક ઘટનાઓના કારણો શોધવા માટે સહાય મેળવવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયેલા લોકોની તપાસ કરવાની હાકલ કરી છે.