...તો ભારત પર લાગશે 500% ટેરિફ? અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કડક કાયદો લાવવાની તૈયારીમાં!
America Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણાં દેશો પર ભારે ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ દરમિયાન તેમણે હવે સંકેત આપ્યા છે કે, ભારત અને ચીન જેવા દેશો પર 500% ટેરિફ લાદવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે જે રશિયા પાસેથી તેલ, ગેસ અથવા યુરેનિયમ જેવા ઉર્જા ઉત્પાદનો ખરીદે છે. આ પગલાનો ઉદ્દેશ્ય રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પર રશિયાની ઉર્જા આવક બંધ કરીને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે દબાણ લાવવાનો છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવિત કાયદો 'સેન્ક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025' એપ્રિલમાં અમેરિકા સેનેટમાં રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટ સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલમાં રશિયાના વૈશ્વિક ઉર્જા પુરવઠા પર કડક પ્રતિબંધ, રશિયન કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને વરિષ્ઠ અધિકારીઓ પર પ્રતિબંધો અને રશિયા પાસેથી તેલ, ગેસ અથવા યુરેનિયમ ખરીદતા દેશો પર 500% ટેરિફ લાદવાની જોગવાઈ છે.
હું તેને લાગુ કરી શકું છું: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાની કેબિનેટ બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'સંપૂર્ણપણે મારો નિર્ણય હશે. તે (કોંગ્રેસ) બિલ પસાર કરે કે ન કરે, હું તેને લાગુ કરી શકું છું અથવા તેને રોકી શકું છું. અને હું તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું.' નોંધનીય છે કે, ટ્રમ્પે તાજેતરમાં યુક્રેન યુદ્ધ અંગે પુતિન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું કે, 'સેન્ક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025 રશિયાને આર્થિક રીતે અલગ પાડવા માટે એક સફળતા છે અને ટ્રમ્પે પોતે તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જો તમે રશિયા પાસેથી ઊર્જા ખરીદી રહ્યા છો અને યુક્રેનને મદદ નથી કરી રહ્યા, તો યુએસમાં તમારા માલ પર 500% આયાત ડ્યુટી લાગશે.'
ભારત અને ચીન પર અસર થશે
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સેન્ક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025 કાયદો પસાર થાય છે અને ટ્રમ્પ તેને લાગુ કરે છે, તો ભારત, ચીન જેવા દેશો જે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદે છે તેમને અમેરિકામાં તેમના ઉત્પાદનો પર 500% સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આનાથી ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં પણ તણાવ વધી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઘણાં દેશો પર ટેરિફની જાહેરાત કરી છે, જેમાંથી સૌથી વધુ 50% બ્રાઝિલ પર લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કેનેડા પર પણ 35% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ફિલિપાઈન્સ, મોલ્ડોવા, શ્રીલંકા, લિબિયા સહિત સાત દેશો પર પણ નવા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ ટેરિફ પહેલી ઓગસ્ટ 2025થી લાગુ થશે.