અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 70000 નવા કેસ નોંધાયા
- લંડનમાં જાહેર પરિવહન બધા નાગરિકો માટે ખૂલી ગયું
- યુકેમાં કોરોનાના બીજા મોજા સામે વ્યાપક તૈયારી, હર્ડ ઇમ્યુનિટી વીક્સી હોવાનો દાવો
વોશિંગ્ટન, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
અમેરિકામાં કોરોનાના ચેપના નવા કેસોની સંખ્યા 70,000 થતાં આ મહિનામાં સાતમીવાર દૈનિક રેકોર્ડ નોંધાયો છે. મરણાંક પણ સતત વધી રહ્યો છે જેમાં એરિઝોના, કેલિફોનયા, ફલોરિડા અને ટેક્સાસ મોખરે છે. આ મહિને અમેરિકાના 50માંથી 30 રાજ્યોમાં એક દિવસના સૌથી વધારે કેસોના રેકોર્ડ નોંધાયા છે. જ્યારે ચેપનો દર દરેક રાજ્યમાં સતત વધી રહ્યો છે.
ફલોરિડામાં રવિવારે એક જ દિવસમાં 15000 કરતાં વધારે કોરોનાના કેસો નોંધાયા હતા. હવે અમેરિકનો શાળાઓ અને વેપાર ધંધા ફરી શરૂ કરવા તથા જાહેરમાં માસ્ક પહેરવા બાબતે વિભાજિત થઇ રહ્યા છે. આજે કુલ 70272 કેસો નોંધાયા હતા. જે જુનમાં એક જ દિવસે નોંધાયેલા 69,070 કેસો કરતાં વધારે હતા.
જુનમાં દિવસના સરેરાશ 28000 કેસો વધતાં હતા પણ જુલાઇમાં આ સરેરાશ વધીને 57,625 થઇ ગઇ છે. ચેપી રોગના નિષ્ણાત ડો. એન્થોની ફાઉસીએ ચેતવણી આપી હતી કે જો અમેરિકનો ચેપને ખાળવા માટે એકમત નહીં થાય તો ટૂંક સમયમાં કોરોનાના કેસોની સંખ્યા રોજના એક લાખ પર પહોંચશે.
યુકેમાં ઓક્સફર્ડ યુનિવસટીના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનમાં કોરોના મહામારીનું બીજું મોજું આવવાને પગલે હર્ડ ઇમ્યુનીટી વિક્સી ગઇ છે. આ અભ્યાસમાં ભારતીય મૂળની પ્રોફેસર સુનેત્રા ગુપ્તા પણ સામેલ છે.
આ અભ્યાસમાં જણાવાયું છે કે બ્રિટનના લોકોમાં મોસમી કફ-શરદીનો ચેપ લાગવાને કારણે પહેલેથી જ સામૂહિક સ્તરે હર્ડ ઇમ્યુનીટી એટલી વિકસી ચૂકી છે કે કોરોના વાઇરસનું બીજું મોજું આવે તો પ્રજા તેનો સામનો કરી શકે તેમ છે.
સામાન્ય સમજ એવી છે કે જે તે વિસ્તારમાં ચેપનો પ્રસાર રોકવા માટે રોગ પ્રતિકારક ક્ષમતાનું સ્તર 50 ટકા કરતાં વધારે હોવું જોઇએ. નવા અભ્યાસમાં જણાવાયું છે કે જ્યારે સારી ઇમ્યુનીટી ધરાવતાં લોકો નબળી ઇમ્યુનીટી ધરાવતાં લોકોના સંપર્કમાં આવે ત્યારે સામૂહિક હર્ડ ઇમ્યુનીટીનંી પ્રમાણ ઝડપથી ઘટે છે.
જો કે, આ અભ્યાસની હજી સમીક્ષા થઇ નથી. ઓક્સફર્ડ યુનિવસટીમાં થિયોરેટિકલ એપિડેમિયોલોજીનો વિષય ભણાવતાં સુનેત્રા ગુપ્તાએ જણાવ્યું હતું કે હર્ડ ઇમ્યુનીટી વિશે જાણવા માટે પહેલાં એન્ટીબોડીની તપાસ કરવા પર ભાર મુકવાની જરૂર છે. જેનાથી જાણી શકાશે કે બ્રિટનની પ્રજામાં કોરોના વાઇરસ સામે પ્રતિરોધક શક્તિ મજબૂત થઇ રહી છે કે કેમ.
દરમ્યાન વડા પ્રધાન બોરીસ જ્હોન્સને નેશનલ હેલ્થ સવસ માટે ત્રણ બિલિયન પાઉન્ડના વધારાના ભંડોળની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમે બીજા ઘાતક કોરોના વાઇરસ માટે સજ્જ થઇ રહ્યા છીએ. તેમણે કબૂલ કર્યું હતું કે શિયાળામાં આ ઘાતક વાયરસ વધારે જીવલેણ પુરવાર થઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે શુક્રવારથી જાહેર પરિવહન સેવા દરેક જણા માટે ખુલ્લી કરી દેવામાં આવશે. અલબત્ત તેમાં પ્રવાસ કરતી વખતે માસ્ક પહેરવો ફરજિયાત છે. 25 જુલાઇથી જિમ અને સ્વિમિંગ પુલ અને અન્ય રમત સુવિધાઓને ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવશે. ઓગસ્ટ મહિનાથી કંપનીઓ તેમની તૈયારી અનુસાર લોકોને જરૂર પડે તેમની ઓફિસોમાં પણ કામ કરવા માટે બોલાવી શકશે.