જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ કેટલાય વિસ્તારો ખાલી કરવાની ચેતવણી

- પ્રારંભમાં અપાયેલી સુનામીની ચેતવણી પરત ખેંચી લેવાઈ
- જંગી આંચકા છતાં સદનસીબે પરમાણુ મથકો સલામત હજારો ઘરોની વીજળી વેરણ થઈ હોવાના અહેવાલ
ટોક્યો : જાપાનમાં ૭.૬ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે અને તેના પગલે કેટલાય સ્થળો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક સમયે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, તે પરત ખેંચી લેવામાં આવી છે. ભૂકંપના પગલે જાપાનમાં હોકેઇડો, એઓમોરી અને ઇવેટ માં ચેતવણી જારી કરતાં જણાવાયું છે કે અહીં ત્રણ-ત્રણ મીટર ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે.
ટોહોકુ ઇલેક્ટ્રિક પાવર અને હોકેઇડો ઇલેક્ટ્રિક પાવર દ્વારા સંચાલિત પરમાણુ મથકમાં કોઈ નુકસાનીના સમાચાર નથી, એમ કંપનીઓએ જણાવ્યું હતું. ટોહોકુ ઇલેક્ટ્રિકે જણાવ્યું હતું કે ભૂકંપના કારણે હજારો રહેવાસીઓને પાવર આઉટેજની તકલીફનો સામનો કરવો પડયો હતો. જાપાન સિસ્મિકલી સક્રિય રિંગ ઓફ ફાયર પર આવેલું છે. રિંગ ઓફ ફાયર જ્વાળામુખીની ચેઇન છે અને તે પેસિફિકમાં ઉંડે સુધી પથરાયેલી છે. તેના પરિણામે વિશ્વમાં છ રિક્ટર સ્કેલ કે તેનાથી વધુની તીવ્રતાના આવતા ભૂકંપમાંથી ૨૦ ટકા ભૂકંપ જાપાનમાં આવે છે.
વડાપ્રધાન સનાઈ તાકાઇચીએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ નુકસાનની સમીક્ષા કરી રહ્યા છે. જાપાનના પ્રસારણકારના જણાવ્યા મુજબ અત્યાર સુધી હોટેલમાં એકને જ ઇજા થઈ હોવાના સમાચાર છે. સત્તાવાળાઓ પરમાણુ મથકની સમીક્ષા કરી રહ્યા છે.જાપાનના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવા અગિયાર વાગે આવ્યો હતો. તેનું એપીસેન્ટર એઓમોરીના પૂર્વકિનારે હતુ, જે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુનો હિસ્સો છે. તેની ઊંડાઈ ૫૦ કિ.મી. છે.
જાપાનીઝોના જણાવ્યા મુજબ ભૂકંપના આ આંચકા કેટલીક મિનિટો સુધી ચાલ્યા હતા. જાપાનના સત્તાવાળાઓએ પહેલાં આંચકાની તીવ્રતા ૭.૨ નોંધી હતી, પછી વધારીને ૭.૬ કરી હતી. આ પહેલા જાપાનમાં ૨૦૧૧માં આવેલા ભૂકંપમાં ૧૮ હજારથી વધુના મોત થયા હતા.

