બ્રાઝિલમાં એક દિવસમાં કોરોનાના 69 હજાર કેસ
- અમેરિકામાં મૃત્યુઆંક 1.50 લાખને પાર
- ચીનમાં સતત બીજે દિવસે કોરોનાના 100 કરતાં વધારે કેસ નોંધાયા
રિઓ દ જાનેરો, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના નવા 69,074 કેસો નોંધાવા સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા 2.5 મિલિયનનો આંક વટાવી ગઇ છે. જ્યારે વધુ 1595 મોત થવાને પગલે મરણાંક એક લાખનો આંક વટાવવાની તૈયારીમાં છે.
બીજી તરફ અમેરિકામાં પણ કોરોનાના કારણે મરનારાની સંખ્યા 1,50,000નો આંક વટાવી ગઇ ગઇ હતી. બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સોનારોએ આથક નિયંત્રણ સામે લડાયક મિજાજ દર્શાવતાં ગવર્નર્સ અને મેયરોએ પણ તેમના દબાણને વશ થઇ નિયંત્રણો હળવાં કરતાં કોરોના મહામારી કાબૂ બહાર નીકળી છે.
બ્રાઝિલમાં ગયા અઠવાડિયે કોરોનાના કારણે 7,677 જણાના મોત થયા હતા. બીજી તરફ બોલ્સોનારોની સરકારે બુધવારે જાહેર કર્યું હતું કે વિદેશી પ્રવાસીઓ પાસે હેલ્થ ઇન્શ્યુરન્સ હશે તો તેના પ્રવાસ પરના પ્રતિબંધને હટાવી લેવામાં આવશે.
નિયંત્રણો હળવા થવાને પગલે કોરોનાના કેસોની સંખ્યા પણ બેફામ વધી રહી છે. સાઓ પાઓલોમાં બુધવારે જ કોરોનાના 26000 કરતાં વધારે કેસો નોંધાયા હતા. બીજી તરફ અમેરિકામાં કોરોનાનો મરણાંક વધીને 1,50,676 થયો હતો. જે દર્શાવે છે કે કોરોનાના કુલ મૃત્યુના પાંચમા ભાગના મોત અમેરિકામાં થયા છે.
અમેરિકામાં દુનિયામાં સૌથી વધુ 44,26,000 કોરોનાના કેસો નોંધાયેલાં છે. બીજી તરફ ચીનમાં સતત બીજે દિવસે કોરોનાના 100 કરતાં વધારે કેસ નોંધાયા હતા. જેને પગલે કોરોનાને કાબૂમાં લેવાયો હોવાનો ચીનનો મદ ઓસરી ગયો છે.
નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે નવા 105 કેસોમાંથી 102 કેસો ઘરેલૂ છે. જે મોટાભાગે ઉઇગર પ્રાંતમાં નોંધાયા છે. જો કે બુધવારે કોરોનાના કારણે કોઇ મોત થયાનું નોંધાયું નથી. ગુઆંગડોંગ, યુઆન અને શાનચીમાં એક એક બહારથી આવેલાં કેસ નોંધાયા હતા.